Egg Attack on Ganesha Idol In Vadodara: વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઇંડા ફેંકવાની ઘટના બાદ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પાણીગેટ-માંડવી રોડ પરથી પસાર થતી નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર મદ્દાર માર્કેટના ધાબેથી પાંચ ઇંડા ફેંકાયા હતા. આ ઘટનાથી શહેરની કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. પોલીસે ત્રણ આરોપીઓ, જેમાં એક સગીર પણ સામેલ હતો, તેમની ધરપકડ કરી હતી. હાલ આ બંને આરોપીઓ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે.
તપાસ દરમિયાન વધુ બે આરોપી જુનેદ ઉર્ફે મોટો મગર અને જાવીદ ઉર્ફે નાનો મગરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ કાવતરું પૂર્વયોજિત હતું. આરોપીઓએ ગણેશોત્સવ દરમિયાન તોફાન મચાવવાનો પ્લાન ઘડ્યો હતો.
વાડી ખાનગાહ મહોલ્લામાં માફિયા ગેંગની મીટિંગમાં કુલ સાત શખ્સો હાજર હતા, જ્યાં નક્કી થયું હતું કે પાણીગેટ-માંડવી રોડ પરથી કોઈપણ શ્રીજીની સવારી નીકળે તો તેના પર ઇંડા ફેંકવામાં આવશે.
આ કેસમાં સાયબર ક્રાઇમ વિભાગ પણ સક્રિય થયું છે, કારણ કે આરોપીઓએ માફિયા ગેંગના ગ્રુપમાંથી રાતોરાત મેસેજ ડિલીટ કર્યા હતા. સાથે જ, કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓએ પણ પૂછપરછ કરી છે, કારણ કે આરોપીઓ સિમીના સ્લીપર સેલ સાથે સંકળાયેલા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
હાલ પોલીસે બાકી રહેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને શહેરમાં સુરક્ષા વધારાઈ છે. આ સમગ્ર મામલે વડોદરા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, જેથી શહેરમાં કોઈ પણ પ્રકારનો કોમી તણાવ ન સર્જાય.