Ganesh Chaturthi 2025: ડભોઈમાં જમણી સૂંઢવાળા ગણપતિના પૌરાણિક મંદિરમાં ભક્તોનો મેળાવડો જામ્યો

આ બંને મંદિરમાં ધાર્મિક વિધિ અનુસાર નિયમિત પાઠ-પૂજા થતી રહે છે અને ખાસ કરીને અંગારકી સંકષ્ટ ચતુર્થીના દિવસે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 30 Aug 2025 11:42 AM (IST)Updated: Sat 30 Aug 2025 11:42 AM (IST)
crowd-of-devotees-at-the-mythological-temple-of-right-trunk-ganesha-in-dabhoi-vadodara-594135

Vadodara, Right Trunked Ganpati: ડભોઇ ખાતે આવેલ જમણી સૂંઢના ગણપતિજીના બે પ્રાચીન મંદિરમાં હાલ ગણેશોત્સવ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આ મંદિરોનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ વિશાળ છે, કેમ કે આવા જમણી સૂંઢના ગણપતિ મંદિરો સમગ્ર ગુજરાતમાં બહુ ઓછા જોવા મળે છે.

ગણપતિ મંદિરમાં ભારે ભીડ જોવા મળી

16 મી સદીમાં સોલંકી વંશના રાજવી વિશાળદેવ દ્વારા દર્ભાવતી નગર (હાલનું ડભોઇ)ની સ્થાપના સમયે સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે વડોદરી ભાગોળ રોડ પર આવેલા મહાલક્ષ્મી માતાના ભવ્ય મંદિરની અંદર જમણી સૂંઢના ગણપતિજીની પીળા પથ્થરથી બનેલી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિર લગભગ 600 વર્ષ જૂનું માનવામાં આવે છે અને આજે પણ અખંડ શ્રદ્ધાનું કેન્દ્ર છે.

પૌરાણિક મંદીર આવેલું છે

બીજું મંદિર ગાયકવાડ શાસન કાળમાં આશરે 18 સદી પહેલાં મોતીબાગ જવાના માર્ગ પર સ્થાપિત થયું હતું. તે સમયમાં વડોદરાના ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા નગરજનોના સુખ, શાંતિ અને સંપત્તિ માટે સફેદ આરસની જમણી સૂંઢ ધરાવતી ગણપતિજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સ્થાપિત કરાઈ હતી. કહેવાય છે કે ડભોઈમાં ગણેશોત્સવની શરૂઆત દક્ષિણી ફળીયાથી જ થઈ હતી.

આ બંને મંદિરમાં ધાર્મિક વિધિ અનુસાર નિયમિત પાઠ-પૂજા થતી રહે છે અને ખાસ કરીને અંગારકી સંકષ્ટ ચતુર્થીના દિવસે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. હાલ ગણેશોત્સવને કારણે મંદિરમાં મેળા જેવું દૃશ્ય સર્જાયું છે, જ્યાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આ મંદિરો માત્ર ઐતિહાસિક નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, કારણ કે નગરજનોના સુખ અને સમૃદ્ધિ માટે રાજવીઓ દ્વારા સ્થાપિત આ જમણી સૂંઢના ગણપતિ મંદિરો આજેય ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક છે.