Dahod: દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાંથી પસાર થતી પાનમ નદી પર વર્ષો પહેલા બનેલો હવે જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં ભારે વરસાદને કારણે બ્રિજનો એક છેડો ધોવાયો હોય તેમ તેનું RCC લેવલ તૂટીને બહાર આવી ગયું છે.
પાનમ નદી પર આ બ્રિજ 50 વર્ષથી પણ વધુ સમય પહેલા બનાવાયો હતો. વર્ષો જૂના આ બ્રિજમાં અગાઉ પણ અનેક જગ્યાએ RCC તૂટી જતા ખાડા પડ્યા હતા, પરંતુ પૂરતું સમારકામ હાથ ધરવામાં આવ્યું નહતું. હાલમાં પણ અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે, જે વાહનચાલકો માટે ગંભીર જોખમ ઉભું કરે છે.
હાલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ નદી બે કિનારે વહે છે અને બ્રિજ પર ભારદાર વાહનોના કારણે એક છેડો બેસી જવાની શક્યતા છે. અકસ્માત ટાળવા માટે પોલીસ વિભાગે તાત્કાલિક ધોરણે બેરિકેડ મૂકી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ઘટનાને કલાકો વીતી ગયા છતાં સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી નથી. જો તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આ બ્રિજ ગંભીરા બ્રિજ જેવી સ્થિતિમાં પહોંચી શકે છે, જે મોટી દુર્ઘટનાને આમંત્રિત કરી શકે છે.