Gujarat IPS Transfer: છેલ્લા ઘણા સમયથી અટકેલી બદલીની અટકળો પર આજે અંત આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે અભૂતપૂર્વ નિર્ણય લઇને એક સાથે 74 IPS અને 31 SP મળીને કુલ 105 અધિકારીઓની બદલી તથા બઢતીનો હુકમ કર્યો છે. આ આદેશમાં વર્ષ 2013થી 2021 સુધીના બેચના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાગરિકોના ફીડબેક, અધિકારીઓના રિપોર્ટ કાર્ડ અને ગુપ્ત કંટ્રોલ રૂમની માહિતીના આધારે આ હુકમો થયેલા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરમાંથી પાંચ DCPની બદલી કરવામાં આવી છે. DCP ઝોન-3 અભય સોનીને વેસ્ટર્ન રેલવેમાં SP, DCP ઝોન-4 પન્ના મોમાયાને અમદાવાદ સ્પેશ્યલ બ્રાન્ચ, DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાને વલસાડના SP, ટ્રાફિક DCP જ્યોતિ પટેલને એકતાનગર-નર્મદા SRP ગ્રુપ-18ના કમાન્ડન્ટ અને DCP ઝોન-1 જુલી કોઠીયાને સુરત શહેરના સ્પેશ્યલ બ્રાન્ચમાં મુકાયા છે. તેજલ પટેલને વડોદરા શહેરના ટ્રાફિક DCP તરીકે જવાબદારી સોંપાઈ છે. વડોદરા ગ્રામ્યના SP રોહન આનંદની CID ક્રાઇમ, ગાંધીનગરના ઇકો સેલના SP તરીકે બદલી થઈ છે.
વડોદરામાં નવા નિયુક્ત અધિકારીઓમાં ગ્રામ્ય SP તરીકે સુશીલ અગ્રવાલ, શહેર DCP ઝોન-2 તરીકે મનજીતા વણઝારા, ઝોન-1માં જગદીશ ચાવડા, ઝોન-4માં એન્ડ્રુ મેકવાન અને ક્રાઇમ DCP તરીકે હીમાંશુ વર્મા મુકાયા છે.
આ પણ વાંચો
PI સ્તરે આંતરિક બદલીઓ
ગણેશ ચતુર્થી પૂર્વે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે વહીવટી કારણોસર પાંચ PIની આંતરિક બદલી કરી હતી. કારેલીબાગ પોલીસ સ્ટેશનના PI એચ.એમ. વ્યાસને ટ્રાફિક શાખામાં મુકાયા હતા. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ખાલી રહેલી પોસ્ટ પર ગોત્રીના સેકન્ડ PI એ.એમ. પરમારને મુકાયા છે. નંદેસરીના એસ.જે. પંડ્યાને સયાજીગંજ સેકન્ડ PI બાદ હવે લાયસન્સ વિભાગમાં બદલી કરાયા છે. આ બદલીઓએ સ્થાનિક સ્તરે તર્ક-વિતર્ક સર્જ્યા છે.