Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જેમાં તમામ જિલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેતરોમાં પણ હવે વાવણી લાયક વરસાદ પડ્યો છે, જેના કારણે જગતના તાતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જેમાં શહેરી વિસ્તારમાં અનેક જગ્યાઓ પર હજી પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. જેના કારણે આમ જનતાને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.

છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
ગઇકાલે એટલે કે, તારીખ 30 જૂનના રોજ રાજ્યના 191 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 3.82 ઇંચ અને જામનગરના કાલાવાડ તાલુકામાં 3.2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આમ ગઇકાલે રાજ્યમાં સારા એવા પ્રમાણમાં વરસાદી માહોલ જામ્યો હતો. લોકોને પણ હવે કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે.

આજનું હવામાન
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 1 જુલાઈના રોજ ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

