Surat Patidar Teacher Suicide Case: સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકાના આપઘાત કેસમાં ચાલી રહેલી કાનૂની કાર્યવાહીમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસના આરોપી કિશોરની જામીન અરજી સામે ગુરુવારે કોર્ટમાં જોરદાર દલીલો કરવામાં આવી હતી. મૂળ ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકિયાએ કોર્ટમાં જણાવ્યું કે કિશોરે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે તે ગર્ભવતી પણ બની હતી. તેમણે દલીલ કરી કે જો કિશોરને જામીન આપવામાં આવશે, તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે, જેથી તેની જામીન અરજી નામંજૂર કરવી જોઈએ.
3000 પાનાના FSL રિપોર્ટમાં ગંભીર ખુલાસા
આ કેસમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા 3000 પાનાના FSL રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં પીડિતા અને આરોપી કિશોર વચ્ચે થયેલી જી-મેઇલ ચેટિંગની વિગતો પણ સામેલ છે. આ ચેટિંગમાં શારીરિક સંબંધો અને ગર્ભપાત અંગેની વાતોનો ઉલ્લેખ છે. આ પુરાવાના આધારે ફરિયાદ પક્ષે માંગ કરી છે કે કિશોર સામે બળાત્કાર અને ગર્ભપાત કરાવવા જેવી કલમોનો ઉમેરો કરવામાં આવે. હવે આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ યોજાશે, જેમાં બચાવ પક્ષના વકીલ કલ્પેશ દેસાઈ પોતાની દલીલો રજૂ કરશે.
જામીન અરજી નામંજૂર કરવા માટે અનેક મુદ્દાઓ રજૂ કરાયા
ફરિયાદ પક્ષના વકીલે કિશોરની જામીન અરજી નામંજૂર કરવા માટે કોર્ટ સમક્ષ અનેક મુદ્દાઓ રજૂ કર્યા હતા. દલીલમાં જણાવાયું હતું કે આરોપી કિશોર ખૂબ જ ચાલાક અને કાયદાનો જાણકાર છે. મેસેજમાં બહાર આવેલી ગંભીર બાબતો બાદ તેને જામીન આપી શકાય નહીં. આ ઉપરાંત, પીડિતાને સતત પૈસા માટે માનસિક ત્રાસ આપતો હોવાનું પણ બહાર આવ્યું છે. વકીલે જણાવ્યું કે હાલ તપાસ નાજુક તબક્કામાં હોવાથી અને કેસ સ્પેશિયલ કેટેગરીમાં આવતો હોવાથી કિશોરને જામીન આપવાથી તે સુધરવાને બદલે પુનરાવર્તન કરી શકે છે.