Surat: સુરતના વરાછા વિસ્તારમાં ગુમ થયેલી 8 વર્ષની બાળકીને વરાછા પોલીસે ગણતરીના 3 કલાકની અંદર જ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બાળકી ગુમ થયાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી હતી અને બાળકીને શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 8 વર્ષની બાળકીને આજે સવારે તેની માતા શાળાએ મુકવા જતા હતા. આ સમયે માતા કોઈ વસ્તુ ભૂલી જતા તે લેવા ગઈ હતી, આ દરમ્યાન બાળકી ચાલતી ચાલતી દૂર નીકળી ગઈ હતી.
આ પણ વાંચો
દીકરી મળી ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને બનાવની જાણ પોલીસને કરી હતી. આ બનાવની જાણ થતા જ વરાછા પોલીસે શી ટીમની 2 ટીમ તેમજ અન્ય 4 ટીમ બનાવી તાત્કાલિક બાળકીને શોધવા તજવીજ હાથ ધરી હતી.
પોલીસની ટીમે બાળકી જ્યાંથી ગુમ થઇ હતી ત્યાંથી તે કઈ દિશામાં ગયી તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે લગભગ 77થી વધુ CCTV કેમેરા તપાસ્યા હતા, વરાછા પોલીસની ટીમે એક પણ મિનિટ બગાડ્યા વિના સતત શોધખોળ ચાલુ રાખી હતી. પોલીસની ટીમે ત્રણ કલાકની અથાક મહેનત અને ઝીણવટભરી તપાસ બાદ બાળકીને વરાછાથી અંદાજે 3.5 કિલોમીટર દૂર આવેલા ભાતવાડી વિસ્તારમાંથી શોધી કાઢી હતી.
બાળકી સુરક્ષિત હાલતમાં મળી આવી હતી. વરાછા પોલીસે બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી હતી. પોતાની દીકરીને હેમખેમ પાછી મેળવીને પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમણે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને વરાછા પોલીસની કામગીરીને બિરદાવી હતી.