Surat: સુરતમાં સિલાઈ કામ કરી રહેલા યુવકને મિત્રો સાથે મજાક મસ્તી મોંઘી પડી હોય તેવો બનાવ સામે આવ્યો છે. જેમાં મસ્તીમાં હાથમાં રહેલી કાતર છાતીમાં ઘૂસી જતાં યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ 3 ટાંકા લઈ યુવકનો જીવ બચાવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અખિલ સલીમખાન (27) સુરતમાં તેના ભાઈઓ સાથે રહીને સિલાઈનું કામ કરે છે. અખિલ કાતરથી કાપડનું કટિંગ કરતી વખતે કારીગર મિત્રો સાથે મજાક મસ્તી કરતો હતો. આ દરમિયાન અચાનક અખિલનો પગ લપસતા તે નીચે પડ્યો હતો. આ સમયે અખિલના હાથમાં રહેલી કાતર સીધી તેની છાતીમાં ઘૂસી ગઈ હતી.
આ પણ વાંચો
આ ઘટના બાદ 108ની મદદથી અખિલને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબ અને સ્ટાફ યુવકની છાતીમાં ઘૂસેલી કાતર જોઈને ચોંકી ઉઠ્યા હતા.
જો કે તબીબોએ વધારે ગંભીર ઈજા ના થાય, તે રીતે કાતર બહાર કાઢીને ત્રણ ટાંકા લઈ યુવકનો જીવ બચાવ્યો હતો. હાલ યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં સ્વસ્થ થયા બાદ તેને રજા આપવામાં આવશે.