Surat: સુરતના ડુમસના દરિયા કિનારે લક્ઝુરિયસ કાર રેતીમાં ફસાઈ ગઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. બીચ સુધી કાર લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં મર્સિડીઝ કાર દરિયા કિનારા સુધી પહોંચી ગઈ હતી અને કાદવમાં ફસાઈ ગઈ હતી. જેનો વીડિયો વાયરલ થતાં ડુમસ પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને કારના માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આજે ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી છે.
આજે JCBની મદદથી આ મોંઘીદાટ કારને રેતીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. આ સમગ્ર મામલે ડુમસ પોલીસ દ્વારા તપાસ કરીને કારના માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો
આ અંગે ACP દીપ વકીલે જણાવ્યું કે, ગત 20 જુલાઈએ રવિવારના રોજ ડુમસ બીચ ખાતે એક મર્સિડીઝ કાર બીચ પર ફસાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેની તપાસ કરતાં આ કારના માલિક અક્ષર અબ્દુલ્લા શાહ (50) હોવાનું માલૂમ પડ્યું હતુ. જેમને ઝડપી પાડીને પૂછપરછ હાથ ધરાઈ હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ પત્ની સાથે કાર લઈને બીચ પર ફરવા ગયા હતા. બીચ પર આવેલા સ્ટોલ ધારકો પોતાનો માલ-સામાન લઈ જતાં હોવાથી તેમની પાછળ તેઓ પણ કાર લઈને બીચ સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમની મર્સિડીઝ બીચ પર કાદવમાં ફસાઈ ગઈ હતી.
હાલ તો કારને બહાર કાઢવામાં આવી છે અને તેના માલિક BNS કલમ 281, જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનું તથા બીજાનું જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે, તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આટલું જ નહી પરંતુ આવું બેદરકારીભર્યા કૃત્ય કરવા વાળી વ્યક્તિઓને બોધપાઠ મળે તે હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સોરયન્સ જે કંપનીનો છે તેને રિપોર્ટ કરવામાં આવશે. જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે.