Surat: શહેરના રાંદેર વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને 24 વર્ષીય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. જેના કારણે કુંવારી યુવતીને ગર્ભ રહી જતાં ધમકી આપીને ગર્ભપાત કરાવ્યો હતો. આ મામલે યુવતીએ રાંદેર પોલીસ મથકમાં આરોપી યુવક અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પીડિતા 2000ના વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ સમયે યુસુફ મિયા નામના યુવકે પોતાની ઓળખ કમલ સિંહા તરીકે આપીને યુવતી સાથે પરિચય કેળવીને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ યુવક લગ્નની લાલચ આપીને વારંવાર અલગ-અલગ જગ્યાએ લઈ જઈને યુવતી સાથે શારીરિક સબંધ બાંધતો હતો. જેના કારણે યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેથી યુવતીએ લગ્ન માટે દબાણ કરતાં યુવકે ધમકી આપીને ગર્ભપાત કરાવી દીધો હતો.
ગર્ભપાત બાદ પણ વિધર્મી યુવક હિન્દુ યુવતીનું યૌન શોષણ કરતો હતો. આખરે યુવતીએ લગ્ન માટે કહેતા આરોપીએ પોતાનું નામ યુસુફ મંડપવાલા અને પોતે પરિણીત હોવાનું જણાવ્યું હતુ. વિધર્મીની હકીકત સામે આવતા યુવતીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ યુસુફ ઉપરાંત તેની પત્ની હબીબા પણ યુવતીને ત્રાસ આપવા લાગ્યા હતા.
થોડા મહિના પહેલા યુસુફે મહિલાના નામે લોન લઈને મોપેડ ખરીદ્યું હતુ. આ મોપેડ પોતાના નામે કરાવવા માટે વિધર્મી યુવક અને તેની પત્ની સતત ફરિયાદી પર દબાણ કરતા હતા. જો કે યુવતી તાબે ના થતાં યુસુફ અને તેની પત્ની હબીબાએ ફરિયાદીના ઘરે આવીને ધમકી આપીને મારઝૂડ કરી હતી.
આખરે વિધર્મી પ્રેમી અને તેની પત્નીની ધમકીઓથી ભયભીત થયેલી યુવતીએ હિન્દુ સંગઠનનો સંપર્ક સાધ્યો હતો. જેમણે કાયદાકીય લડત માટે પીડિતાને હિંમત આપતા તેણે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.