Surat: સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરનું પ્રમોશન થતા તેમની બદલી થઈ છે, ત્યારે પલસાણા ખાતે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પોલીસ પરિવાર દ્વારા તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. હવે રાજેશ ગઢિયા સુરત જિલ્લાના નવા પોલીસ વડા બન્યા છે.
રાજ્યભરમાંથી 100થી વધુ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની પણ બદલી કરવામાં આવી છે, જેમની જગ્યાએ અગાઉ 2014-15નાં વર્ષમાં બારડોલી ડિવીઝનમાં DySP તરીકે ફરજ બજાવી ગયેલા અને હાલ ખેડા જિલ્લામાં DSP તરીકે ફરજ બજાવતા રાજેશ ગઢીયાની નવા સુરત જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. રાજેશ ગઢીયા સુરત જિલ્લાથી સુપેરે વાકેફ છે.
આ પણ વાંચો
3 વર્ષ 3 મહિનાનાં કાર્યકાળ દરમ્યાન હિતેશ જોયસરે સુરત ગ્રામ્ય વિસ્તારમાં મોટા બોરસરા સગીરા સાથે સામુહિક બળાત્કારની ચકચારી ઘટના, કીમ ચોકડી યુનિયન બેંક ચોરી, રાજસ્થાનનાં બિશ્નોઈ ગેંગને ઝડપી પાડી, કીમ રેલવેની હદમાં ટ્રેન ઉથલાવવાનો મામલો સહિતનાં ગુનામાં સચોટ ડિટેક્શન કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારોમાં લૂંટ, હત્યા, ચોરીનાં બનાવોમાં ઝડપી ડિટેક્શન કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પોતાની કુશળતા બતાવી છે. જિલ્લામાં ગુનાખોરી અને ભાઈ ગીરીને ડામવા સતત પ્રયત્નશીલ રહ્યા. હવે રાજેશ ગઢીયા સુરત જિલ્લા પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળશે.
હિતેશ જોયસરને DIGP તરીકે પ્રોમોશન મળતા તેમની બદલી કરવામાં આવી છે દરમ્યાન ગતરોજ પલસાણા ખાતે તેમનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરિવારના સભ્યો દ્વારા હિતેશ જોયસર પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.