Surat: મોટા વરાછામાં AAPના કોર્પોરેટરના ઘરમાં આગ લાગતા દીકરાનું મોત, પરિવારના સભ્યએ કહ્યું- "બધા નીકળી ગયા અને એક છોકરો ફસાઈ ગયો"

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 08 Mar 2024 11:38 AM (IST)Updated: Fri 08 Mar 2024 11:40 AM (IST)
surat-news-aap-corporators-house-caught-fire-in-mota-varachha-6-rescued-and-18-year-old-son-killed-295883

Surat News: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આપના કોર્પોરેટરના જીતુભાઈ કાછડિયાના ઘરે આગ લાગી હતી. જેમાં પરિવારના 7 સભ્યો ફસાઈ ગયા હતા. જો કે 6 સભ્યો સહી સલામત બહાર નીકળી ગયા હતા. જ્યારે 17 વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મોત થયું છે. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

મૃતકના કાકા નટરવ કાછડિયાએ જણાવ્યું કે, "રાત્રે બે વાગ્યે સૂતા હતા અને અચાનક આગ લાગી હતી. અફરાતફરીમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા હતા અને બાજુના ધાબા પર કૂદકા મારીને નીકળી ગયા હતા. આ પછી અમને ખ્યાલ આવ્યો કે, એક છોકરો રહી ગયો છે. પ્રિન્સ 12 સાયન્સમાં ભણતો હતો અને તેની ઉંમર 17 વર્ષ હતી."

મળતી માહિતી મુજબ મોડી રાતે 2 વાગ્યાની આસપાસ સુરતના મોટા વરાછા સ્થિત આનંદધારા સોસાયટીમાં રહેતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરે કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ આગના કારણે ઘરમાં પરિવારના 7 સભ્યો ફસાઈ ગયા હતા. જ્યારે 6 સભ્યો સહી સલામત બહાર નીકળી ગયા હતા પરંતુ 18 વર્ષીય પુત્ર પ્રિન્સ ફસાઈ જતા તેનું મોત થયું છે.

આગ અંગેની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગમાં ઘર વખરી સહિતનો સમાન બળી ગયો હતો. જયારે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું મકાન હતું. જેમાં પહેલા માળે આગ લાગ્યા બાદ આગ પ્રસરી હતી. આગમાં ફર્નીચર, ઘર વખરી, એલીવેશન, બારી બારણા સહિતનો સમાન બળી ગયો હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.