Surat: માંગરોળ તાલુકાના જૂની કોસાડી ગામે પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીને રખડતા કૂતરાઓએ શરીરે બચકાં ભર્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. જ્યારે ગામજનો દ્વારા કૂતરાનું ખસીકરણ અને બાળકીના પરિવારને આર્થિક મદદ મળે તેવી માંગ કરવામાં આવી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ગામના કનવાડા ફળીયામાં સતીશભાઈ વસાવા પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 6 વર્ષની દીકરી શિવાંગી જૂની કોસાડી સરકારી પ્રાથમિક શાળાની બાલ વાટિકામાં અભ્યાસ કરતી હતી. ગતરોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં તે ક્લાસરૂમમાંથી લઘુશંકા કરવા માટે ગઈ હતી. જ્યાં શૈચાલય નજીકથી ત્રણ થી ચાર જેટલા કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો અને બાળકીને હાથ-પગ, ગળા તથા શરીરે બચકાઓ ભર્યા હતા.
આ પણ વાંચો
એક યુવકની નજર બાળકી પર પડતા તે મદદ માટે દોડી આવ્યો હતો, જે બાદ શાળાના શિક્ષકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને તાત્કાલિક મોસાલી માંગરોળ ખાતે સારવાર અર્થે લઇ જવાઈ હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે 108ની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. જ્યાં બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો
પ્રાથમિક તપાસમાં બાળકીના પિતા સતિશભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. નાના બે ભાઈઓ વચ્ચે શિવાંગી એક માત્ર બહેન હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વાંકલ ગામે આવેલા એનડી દેસાઈ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા પાંચ વર્ષના બાળક પર કુતરાઓએ હુમલો કર્યો હતો અને બચકા ભર્યા હતા. તેમજ 20 દિવસ પહેલા ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામે 40 વર્ષીય મહિલા પર કૂતરાના ટોળાએ હુમલો કરીને બચકા ભરતા તેનું મોત થયું હતું
બીજા કોઈના સંતાન સાથે આવું ના થવું જોઈએઃ બાળકીના પિતા
બાળકીના પિતા સતીશભાઈએ જણાવ્યું કે, અમે સ્કૂલમાં દીકરીને ભણવા માટે મોકલી હતી અમે કામ પર હતા મારા પર માસ્તરનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમારી દીકરીને કૂતરું બચકું ભરી ગયું છે, તમે અહિયાં આવો. આથી હું અહિયાં આવ્યો હતો અને બાળકીને સુરત લઇ ગયા હતા જ્યાં દીકરીનું મોત થયું છે. મારી માંગ છે કે, બીજા કોઈના સંતાન સાથે બીજી વાર આવું થવું જોઈએ નહી.
કોસાડી ગામના વતની ઉવેશ જુબેરભાઈ ભીખુએ જણાવ્યું કે, શાળાની પાછળ મારું ઘર છે. હું રૂમની અંદર સૂવા માટે જઈ રહ્યો હતો તો મારી નજર આ બાળકી પર પડી હતી, જ્યાં ત્રણ કૂતરા બાળકીને ગંભીર ઈજા પહોચાડી રહ્યા હતા. આથી હું દોડીને ત્યાં ગયો હતો અને છોકરીને બચાવી હતી અને દોડીને હું સાહેબ લોકો પાસે ગયો હતો. જ્યાંથી બાળકીને સૌ પ્રથમ મોસાલી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સરકારી હોસ્પિટલમાં ચેકઅપ કર્યા પછી અને પ્રાથમિક સારવાર આપી હતી અને સરકારી હોસ્પિટલમાંથી ના કીધું એટલે અમે તાત્કાલિક 108 બોલાવી અને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકીને મોકલી હતી છોકરીને ગંભીર ઈજા હતી અને દીકરીનું મોત થયું છે અમે તેને બચાવવાની બહુ કોશિશ કરી હતી અમારી શાળામાં એક વોચમેનની માંગ છે.
કૂતરાનું ખસીકરણ કરવા યોગ્ય પગલા લેવા જોઈએ: જયચંદ વસાવા
જયચંદભાઈ વસાવાએ જણાવ્યું કે, મારી પત્ની આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય છે અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ છે અને સરકારને વિનંતી કરીએ કે, ખૂબ ગરીબ પરિવાર છે અને મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. આથ તેમને સરકાર તરફથી આર્થિક સહાય મળે તેવા અમારા તરફથી અને ગામ તરફથી પણ પ્રયત્ન રહેશે અને ભવિષ્યમાં આવી બીજી કોઈ દુર્ઘટના ના બને તેના માટે સરકારે કૂતરાઓનું ખસીકરણ કરવું જોઈએ અને યોગ્ય પગલા લેવા જોઈએ.
