Surat News: સુરત શહેરમાં પનાસ વિસ્તારમાં SMCની કચરા ગાડીએ અડફેટે લેતા સ્ટેટ લેવલ રનર વિધિ કદમનું મોત નીપજ્યું છે. આજે સવારે વિધિ જીમ જતી હતી તે વેળાએ આ ઘટના બની હતી. પોલીસે કચરાની ગાડીના ડ્રાઈવરની અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ સુરતના પનાસ ગામ ખાતે રહેતી 19 વર્ષીય વિધિ કદમ આજે સવારે જીમ જવા નીકળી હતી તે મોપેડ પર પનાસ કેનાલ રોડના સર્વિસ રોડ પરથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન એસએમસીની કચરાની ગાડીના ચાલકે તેને અડફેટે લીધી હતી જેમાં ગંભીર ઈજા થતા વિધિને હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.
વિધિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં ખટોદરા પોલીસે એસએમસીના ડોર ટુ ડોર ટેમ્પા ડ્રાઈવર 22 વર્ષીય ગિરીશ અડડની પોલીસે અટકાયત કરી છે. વિધિ પનાસ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી તેના પરિવારમાં માતા-પિતા અને ભાઈ છે. વિધિ હાલ બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે અને સ્ટેટ લેવલ સુધીના દોડની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે.
વિધિએ ટૂંકી દોડમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે. વિધિ અભ્યાસની સાથે ભટાર ખાતે આવેલા જીમમાં ટ્રેનર તરીકે કામ કરતી હતી અને ત્યાં પ્રેક્ટિસ પણ કરતી હતી. આજે સવારે તે જીમ જવા નીકળી ત્યારે આ ઘટના બની હતી. દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.