Surat News: કામરેજ બ્રિજ પાસે મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર બંધ પડેલા ટ્રેલર પાછળ એક આઇશર ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતમાં ટેમ્પોચાલકને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. ટેમ્પોચાલકનો મૃતદેહ કેબિનમાં ફસાઈ ગયો હતો અને કટર મશીનથી વાહનનું પતરું કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
સુરતના કામરેજ ખાતે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કામરેજ મામલતદાર કચેરીની સામે કામરેજ બ્રિજ પાસે મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર બંધ પડેલા ટ્રેલર પાછળ એક આઇશર ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. આ ઘટનામાં આઇશર ટેમ્પાના કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ટેમ્પા ચાલકને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ટેમ્પોચાલકનો મૃતદેહ કેબિનમાં ફસાઈ ગયો હતો. મૃતદેહને બહાર કાઢવા માટે અભિરક્ષક ટીમની મદદ લેવામાં આવી હતી. કટર મશીનથી વાહનનું પતરું કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકના મૃતદેહને કામરેજ CHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
ટેમ્પોમાં સવાર કંડક્ટરને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.