Ganesh Chaturthi 2025 Surat: સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ પાંચ પીપળા ઓવારા ખાતે શ્રી ગણેશ મંડળ પરિવાર દ્વારા તાપી નદીના વચ્ચે અનોખી રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ પરંપરા વર્ષ 2006થી શરૂ થઈ હતી, આ વર્ષે દીવાદાંડીની પ્રતિકૃતિ બનાવી તેમાં શ્રીજીની સ્થાપના કરાઈ છે. લોકો દ્વારા સવાર-સાંજ બોટમાં જઈ બાપ્પાની આરતી, ધૂન કરવામાં આવી રહી છે.
ગણેશ ઉત્સવનો પ્રારંભ થઇ ગયો છે. સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, શ્રીજીની ભવ્ય પ્રતિમા અને અલગ અલગ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવે છે. આલિશાન મંડપ, ડેકોરેટીવ લાઈટિંગ, થીમ બેઈઝ ઉજવણી સાથે સેવાકીય પ્રવૃતિઓ પણ શરૂ થઈ છે. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયાના જયઘોષ સાથે ભક્તોએ ભારે ઉત્સાહપૂર્વક ગણેશજીની સ્થાપના કરી છે. ત્યારે સુરત શહેરમાં તાપી નદીની વચ્ચે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે.
સુરતના રાંદેર સ્થિત પાંચ પીપળા ઓવારા ખાતે શ્રી ગણેશ મંડળ પરિવાર દ્વારા તાપી નદીના વચ્ચે તરતી દીવાદાંડીની પ્રતિકૃતિ બનાવી તેમાં શ્રીજીની બિરાજમાન કરાયા છે. લોકો દ્વારા સવાર-સાંજ બોટમાં જઈ બાપ્પાની આરતી, ધૂન કરવામાં આવી રહી છે. બાપ્પાની પ્રતિમાને આનંદ ચૌદશને દિવસે તાપી નદીમાંથી બહાર લાવી ઘરઆંગણે વિસર્જન કરવામાં આવશે.
2006ના પૂર બાદ નદી વચ્ચે સ્થાપનાનો સંકલ્પ લીધો
ગૌરવભાઈ સેલરએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં વર્ષ 2006 પહેલા વારંવાર પુર આવ્યા કરતું હતું અને વર્ષ 2006 બાદ અમારા મંડળે સંકલ્પ લીધો હતો કે તાપી નદીની વચ્ચે ગણપતી બાપ્પાની સ્થાપના કરીએ ત્યારબાદ વર્ષ 2006 પછી અમે સતત તાપી નદીની વચ્ચે ગણપતી બાપ્પાની સ્થપના કરીએ છીએ, કોરોના કાળમાં બે વર્ષ આ થઇ શક્યું ના હતું, વર્ષ 2006માં તાપી નદીમાં ગણપતીની સ્થાપના બાદ પુર જેવું શહેરમાં આવ્યું નથી તેથી હવે અમે આ પરંપરા બનાવી દીધી છે અને સુરત શહેર પણ સુરક્ષિત રહે તે માટે વર્ષ 2006 થી તાપી નદીની વચ્ચે અમે ગણપતી બાપ્પાની સ્થાપના કરીએ છીએ.
તાપી નદીમાં હોડી પર ગણેશજીની સ્થાપના કરી
મીનાક્ષીબેન સાંરગએ જણાવ્યું હતું કે અમારે અહિયાં કિનારો છે ત્યાંથી બધા માછીમારી કરવા જાય છે પણ વર્ષ 2006માં સુરત શહેરમાં જે મોટું પુર આવ્યું હતું તે પછી અમે ગણેશજીની સ્થાપના તાપી નદીમાં હોડીની ઉપર કરીએ છીએ, સવારે આરતી કરવા પણ અમે હોડીમાં જ બેસીને જઈએ છીએ, અમે આ ઉત્સવ ખુબ જ સારી રીતે ઉજવીએ છીએ અને હવે આ પરંપરા થઇ ગઇ છે. આ વર્ષે છોકરાઓએ ખુબ મહેનત કરીને દીવાદાંડી ઉભી કરી છે અને તેમાં ગણેશજીની સ્થપના કરી છે. ગણપતી બાપ્પાને પ્રાર્થના છે કે બધાને સહી સલામત રાખજો.