Ganesh Chaturthi 2025: સુરતના સૌથી ધનિક ગણપતિઃ 5 લાખનું મુગટ અને 7.50 લાખના હાથના કવર, આભૂષણ બન્યા આકર્ષણનું કેન્દ્ર

સુરતના મહિધરપુરા સ્થિત દાળિયા શેરીમાં બિરાજતા શ્રીજીની પ્રતિમા અને તેમના સોના ચાંદીના આભૂષણો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 28 Aug 2025 04:14 PM (IST)Updated: Thu 28 Aug 2025 04:14 PM (IST)
ganesh-chaturthi-2025-most-expensive-ganpati-in-surat-ganesha-idol-adorned-with-rs-12-5-lakh-jewelry-593175

Most Expensive Ganesha Idol In Surat: ગણપતિ બાપ્પા મોર્યા.. મંગલ મૂર્તિ મોર્યાના જયઘોષ સાથે ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે સુરતમાં મહિધરપુરા દાળિયા શેરીના ગણપતિની પ્રતિમા અને તેમના આભૂષણને લઈને આકર્ષણનું કેન્દ્ર બને છે. દર વર્ષે અહી લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાથે આવે છે.

સુરત સહિત રાજ્યભરમાં ગણેશ ઉત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ પર શ્રીજીના પંડાલો તૈયાર કરવામાં આવે છે અને આ વર્ષે પણ અલગ અલગ થીમ પર પંડાલો તૈયાર થયા છે. ત્યારે સુરતના મહિધરપુરા સ્થિત દાળિયા શેરીમાં બિરાજતા શ્રીજીની પ્રતિમા અને તેમના સોના ચાંદીના આભૂષણો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ દાળિયા શેરીના ગણપતિની ભવ્ય શોભાયાત્રા સાથે આગમન થયું હતું.

300થી વધુ સ્વયંસેવકો સુરક્ષા માટે ખડે પગે

શ્રીજી શણગાર કરાયેલા દાગીના ભક્તો દ્વારા દાન કરવામાં આવ્યા છે અને આખું વર્ષ તે તિજોરીમાં રહે છે. આ ધનિક ગણેશજીની સુરક્ષા માટે કુલ 300થી વધુ સ્વયંસેવકો 24 કલાક ખડેપગે રહે છે, આ ઉપરાંત 50થી વધુ સીસીટીવી કેમેરા પંડાલ અને તેની આસપાસના મુખ્ય રસ્તાઓ પર લગાડવામાં આવ્યા છે. પોલીસની બે ગાડીઓ પણ સતત તહેનાત હોય છે. કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેના આ તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

7 કિલો ચાંદીના મૂષકરાજ પણ આકર્ષણનું કેન્દ્ર

આ વખતે ગણેશજીના શણગારમાં એક લાખ અમેરિકન ડાયમંડ જડેલી ચાંદીની પાંદડા આકારની મૂર્તિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. ગણેશજીની મૂર્તિની સાથોસાથ 7 કિલો ચાંદીના મૂષકરાજ પણ દર્શનાર્થીઓને આકર્ષી રહ્યાં છે. 24 કલાક શ્રીજીના દર્શન ભક્તો કરી શકે એ માટે મોબાઇલ એપ્લિકેશન પણ બનાવાઇ છે. જે થકી ભક્તો ઘરબેઠા પણ ગણેશજીના લાઇવ દર્શન કરી શકશે.

આયોજકએ જણાવ્યું હતું કે મહિધરપુરા દાળિયા શેરીના ગણપતિ છેલ્લા 53 વર્ષથી આવી રીતે જ શોભાયાત્રા નીકળે છે અને ચોથના દિવસે સંપૂર્ણ ધાર્મિકતા રીતે ઉઘાડા પગે અમારા સ્વંયસેવકો ગણેશજીને નગરયાત્રા માટે લઈને નીકળે છે. કારણ કે જે લોકો ગણેશજીના દર્શનાર્થે આવી શકતા નથી એવા લોકોને દર્શન મળી શકે, આ વખતે સ્વદેશી અભિયાન હેઠળ અમે પિંક સીટી જયપુર હેઠળ અમે એક થીમ તૈયાર કરી છે તેમાં ગણેશજી બિરાજશે અને ગણેશજી જ્યાં બિરાજશે ત્યાં સંપૂર્ણ વાતાવરણ એવું ઉભું કરવામાં આવ્યું છે જેમાં ટ્રાવેલ ઇન્ડિયા ફસ્ટનો મેસેજ આપવામાં આવ્યો છે.

હિમાલયથી લઈને કન્યા કુમારી સુધી આપણી પાસે વિશેષ વારસો છે જેથી આપણે ભારતમાં ફરીએ અને આપણી ઇકોનોમીને બુસ્ટ કરીએ. સોના ચાંદીના આભૂષણો વિષે કોઈ અંદાજ નથી, કારણ કે ભક્તો દ્વારા દર વર્ષે કઈ ને કઈ આભૂષણો ભેટ આપવામાં આવે છે. આ વર્ષે ગણેશજીની સુંઢ ઉપરનું આભૂષણ એક ભક્ત જન દ્વારા દાન માટે અર્પણ કરવામાં આવ્યું છે.

શણગાર કરાયેલા આભૂષણોની વિગત

2 કિલો સોના અને ચાંદીથી બનેલો મુગટ - કિંમત-રૂ. અંદાજે 5 લાખ
ચાર હાથમાં 3 કિલો સોના અને ચાંદીનું કવર - કિંમત-રૂ. 7.50 લાખ
ચાર હાથમાં 1 કિલો સોના અને ચાંદીના બાજુબંધ- કિંમત-રૂ. 2.50 લાખ
પગમાં સોના અને ચાંદીના 1.5 કિલોના બે કવર - કિંમત-રૂ. 3.25 લાખ
750 ગ્રામનો કમરબંધ - કિંમત-રૂ. 1.50 લાખ
1.5 કિલો સોના-ચાંદીનું કમળ - કિંમત-રૂ.- રૂ. 2.25 લાખ
1.5 કિલો સોના-ચાંદીની કુહાડી - કિંમત-રૂ. 2.25 લાખ
ઘરેણાંમાં 1.50 લાખ અમેરિકન ડાયમંડ જડવામાં આવ્યા છે - કિંમત-રૂ. 2 લાખ
7 કિલો ચાંદીના મૂષકરાજ - કિંમત-રૂ. 6.50 લાખ
1 કિલો ચાંદીની સુંઢ, જેના પર ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવ્યું છે.