Kanthariya Village Students Rescue: સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગાયત્રી મંદિર રોડ, બેરણા રોડ, શારદા કુંજ સોસાયટી, યશસ્વી બંગ્લોઝ બલવંતપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘુસતા ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ દરમિયાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણી ભરાવાના પગલે ધંધા રોજગાર ઠપ્પ થયા તથા બાળકોને સ્કૂલે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ઢીચણ સમા પાણી ભરાતા લોકોએ તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો.
#WATCH | Sabarkantha, Gujarat: Cars seen submerged in flood waters after torrential rain lashes Himatnagar City. pic.twitter.com/G3I5KrH3Bg
— ANI (@ANI) August 30, 2025
વિદ્યાર્થીઓને દોરડા બાંધી નદી પાર કરાવડાવી
જિલ્લાના વિજયનગર તાલુકાના કંથારીયા ગામમા ધોરમાર વરસાદના કારણે તમામ નદીઓમાં નવા નીર આવ્યા છે. ત્યારે કંથારીયા ગામે સ્કૂલ છૂટ્યા બાદ ઘરે પરત ફરતા બાળકો રસ્તામાં આવતી નદીમાં નવા નીર આવતા અધવચ્ચે અટવાયા હતા. જો કે બાદમાં ગ્રામજનોને ઘટનાની જાણ થતા ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંને બાજુ દોરડા બાંધી વિદ્યાર્થીઓને નદી પાર કરાવડાવી હતી. હાલમાં સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને શાળામાં ન બોલાવા માટેની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 58 તાલુકામાં વરસાદ
રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 58 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના હાલોલમાં ખાબક્યો હતો. 4 કલાક દરમિયાન હાલોલમાં સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ઉમરેઠમાં સાડા ચાર ઇંચ, બોરસદમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. 6 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.