રાજ્યમાં જન્મ-મરણની નોંધણી 1 સપ્ટેમ્બર 2025થી હવે કેન્દ્ર સરકારના CRS Portal પર કરવાની રહેશે

જિલ્લાના અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રારોને રાજ્ય કક્ષાએથી CRS Portal અંગે તાલીમ આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sat 30 Aug 2025 06:45 PM (IST)Updated: Sat 30 Aug 2025 06:45 PM (IST)
new-rule-gujarat-birth-death-registration-to-be-done-on-crs-portal-from-september-1-594425

Gandhinagar News: રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતી, તેના બદલે હવેથી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર આગામી 1 સપ્ટેમ્બર 2025થી કરવાની રહેશે. આ પોર્ટલ બપોરે 12 વાગ્યેથી કાર્યરત થશે, તેમ આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર CRS Portal પર જન્મ અને મરણના બનાવોની નોંધણી સરળતાથી થઇ શકશે.જે અંતર્ગત જિલ્લાના અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રારોને રાજ્ય કક્ષાએથી CRS Portal અંગે તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામપંચાયતના સરકારી તથા ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે.

વધુમાં, આ પોર્ટલ સંદર્ભે કોઈ પણ જાતના પ્રશ્ન ન ઉદભવે તે માટે ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેખરેખ રાખવામાં આવશે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે. તમામ શહેરી વિસ્તારમાં કાર્યરત હોસ્પિટલને CRS Portalમાં મેપિંગ કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય તે માટે સંબંધિત રજિસ્ટ્રાર દ્વારા જાહેર રજા(તા. 31 ઓગસ્ટ 2025)ના દિવસે પણ કચેરી ચાલુ રાખી તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.