Atal Sarovar Inauguration: રાજકોટની ભાગોળે રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં 132 કરોડના ખર્ચે બનીને તૈયાર થયેલા અટલ સરોવર આવતીકાલે એટલે 1 મેએ ગુજરાતના સ્થાપના દિવસથી લોકો માટે ખુલ્લુ મૂકાશે.જે બાદ રાજકોટ વાસીઓને રેસકોર્સ, આજી ડેમ અને રામપાર્ક ઉપરાંત વધુ એક પિકનીક પોઈન્ટ મળશે.
મહત્ત્વનું છે કે, અટલ સરોવરમાં અત્યારે ટોય ટ્રેન ચાલુ થશે નહીં. જોકે, મ્યુઝિકલ ફાઉન્ટેન અને ચકડોળની રાઈડ માણી શકશે તેવું મ્યુનિસિપલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અટલ સરોવરમાં પ્રવેશ ફી મોટા માટેની 25 અને નાના બાળકોની 10 રૂપિયા રહેશે. મ્યુઝિકલ ફાઉન્ટન એમ્ફી થિયેટરમાં બેસીને માણવા માટે 80 રૂપિયા ચૂકવવા પડશે. ચકડોળની રાઈડ પણ 80 રૂપિયામાં માણવા મળશે. હાલ મ્યુઝિકલ ફાઉન્ટેનનો એક શો થાય તેવી શકયતા છે. સંભવત રાતે 8 વાગ્યા આસપાસ આ શો થવાનુ મ્યુનિસિપલે કહ્યું હતું.
અટલ સરોવરમાં ખાનગી એજન્સી દ્વારા 15 વર્ષ સુધી તેનું સંચાલન કરાશે.જેનું મનપાને પ્રિમીયમ મળશે. અટલ સરોવરમાં ગાર્ડનમાં લેન્ડ સ્કેપીંગ, બોટનિકલ ગાર્ડન, બોટોનિકલ ક્લોક, સાયકલ ટ્રેક, ફૂડ કોર્ટ અને પાર્ટી પ્લોટ સહિતની સુવિધાઓ છે.