Rajkot News: રાજકોટમાં જુના મોરબી રોડ પર આવેલ ગાંધી વસાહતમાં રહેતો યુવાન શેર બજારમાં રૂપિયા હારી ગયો હતો. જેના કારણે આર્થિક સંકડામણમાં સપડાયેલા યુવાને ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ ટંકારાના મિતાણા ગામ પાસે પહોંચી ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં જુના મોરબી રોડ પર આવેલ ગાંધી વસાહતમાં રહેતો અભિજીત બલદેવભાઈ રાઠોડ નામનો 25 વર્ષનો યુવાન ટંકારાના મિતાણા ગામ પાસે હતો. ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતાં ટંકારા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર અભિજીત રાઠોડ ત્રણભાઈ એક બહેનમાં મોટો અને અપરિણીત છે. અભિજીત રાઠોડ ખાનગી હોસ્પિટલમાં પ્યુન તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે. અભિજીત રાઠોડ શેર બજારમાં નાણાં હારી જતાં આર્થિક સંકડામણમાં મુકાયો હતો. આર્થિક ભીંસથી કંટાળેલા અભિજીત રાઠોડ ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ મીતાણા ગામ પાસે પહોંચી ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.