Rajkot: રીબડાનાં અમિત દામજીભાઇ ખુંટના આપઘાત મામલે છેલ્લા ઘણા વખતથી ફરાર રીબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાનાં આગોતરા સેસન્સ કોર્ટે નામંજૂર કર્યા છે. થોડા વખત પૂર્વ આ કેસમાં સંડોવાયેલા અનિરૂધ્ધસિંહનાં પુત્ર રાજદિપસિંહે પણ આગોતરા માટે અરજી કરી હોય જે સેસન્સ કોર્ટે નામંજૂર કરી હતી પુત્ર બાદ પિતાનાં પણ આગોતરા નામંજૂર થતા બંનેની મુશ્કેલીઓ વધી છે.
રીબડાનાં અમિત ખૂંટ સામે રાજકોટનાં એ-ડિવીઝન પોલીસ મથકમાં ચાર માસ પૂર્વે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેનાં બીજા જ દીવસે અમિત ખુંટે આપઘાત કરી લીધો હતો.
અમિતે આપઘાત પૂર્વે લખેલી પાંચ પાનાની સ્યુસાઇડ નોટમાં રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપસિંહ તેમજ દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર યુવતી સહિતના નામ આપ્યા હતા. આથી આ તમામ વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસમાં આપઘાત માટે મજબૂર કરવા અંગેનો ગુનો નોંધાયો હતો.
આ ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં જૂનાગઢનાં રહીમ મકરાણીનું નામ પણ ખુલ્યુ હતુ. આ ઘટનામાં અનિરૂદ્ધસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપસિંહ અને રહીમ મકરાણી ફરાર હોય ગત સપ્તાહે રાજદીપસિંહ જાડેજાએ સેશન્સ કોર્ટમા આગોતરા માટે અરજી કરી હતી, જે અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી હતી. જે બાદ ગઇ કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાની આગોતરા પણ સેશન્સ કોર્ટે ફગાવી દેતા હવે આ કેસમા પિતા - પુત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગોંડલ તાલુકા પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનામાં ચાર્જશીટ મૂકાઇ ગયુ છે. જેમાં અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહ તેમજ રહીમ મકરાણીને ફરાર દર્શાવાયા છે. અનિરૂધ્ધસિંહ જાડેજાએ અમિત ખુંટને મરવા માટે મજબુર કર્યો હોવાની વાતનો સ્યુસાઇડ નોટમા ઉલ્લેખ છે.
આ કેસનાં અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ કરાઇ છે જેમા આરોપીને ફરાર દર્શાવવામાં આવ્યા હોવાની દલીલ સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાએ કરેલી દલીલને ગોંડલ સેશન્સ કોર્ટે માન્ય રાખી અનિરૂધ્ધસિંહનાં આગોતરા ફગાવી દીધા હતા.