Rajkot: જામકંડોરણામાં 'પ્રેમનું પાનેતર' નામે નવમો શાહી સમુહલગ્નોત્સવ યોજાયો, લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા

વિઠ્ઠલ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં તેમના પુત્ર જયેશ રાદડિયા દ્વારા ભવ્યાતિભવ્ય જાજરમાન સમુહલગ્નોત્સવનું સુંદર આયોજન કરાયું

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 26 Jan 2025 06:34 PM (IST)Updated: Sun 26 Jan 2025 06:34 PM (IST)
rajkot-news-prem-nu-panetar-mass-wedding-function-held-at-jam-kandorana-465633
HIGHLIGHTS
  • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યાં

Rajkot: ભાજપના યુવા નેતા જયેશ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ્ત પિતા વિઠ્ઠલ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં આજ રોજ જામ કંડોરણમાં 'પ્રેમનું પાનેતર' નામે 511 દીકરીઓનો ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન કૃષી મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત પાટીદાર સમાજના અનેક અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ 9મા શાહી સમુહ લગ્નોત્સવ માટે હવેલી જેવો ભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે.

આ જાજરમાન લગ્નોત્સવને લઈને 300થી વધુ વીઘા ખુલ્લી જમીન પર 511 લગ્ન મંડપ, પાર્કિંગ તેમજ જમણવાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે લોકોને અગવડ ના પડે તે માટે 10 હજારથી વધુ સ્વયં સેવકો છેલ્લા કેટલાક દિવસથી સતત ખડેપગે ફરજ બચાવી રહ્યા છે.

આ સમુહલગ્નોત્સવ માટે સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકોને નોંતરા આપવામાં આવ્યા હતા. સમાજ સિવાય વિવિધ ક્ષેત્રના આગેવાનોને આમંત્રણ આપવા માટે 25 હજાર જેટલી કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

બીજી તરફ આ સમુહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દિકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મુકીને દાનનો ધોધ વહાવ્યો હતો. જેના પરિણામે દરેક દીકરીને અંદાજે રૂા. 3 લાખની કિંમતની 120 ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવ્યો છે.

ગત 24 જાન્યુઆરીના રોજ સાંજે 8 કલાકે લગ્ન સ્થળે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીએ રાસની રમઝટ બોલાવી હતી. આ તકે જયેશ રાદડિયા પણ મિત્ર સાથે મન મૂકીને ઝૂમ્યા હતા.