Rajkot: લોકમેળામાંથી પાથરણાવાળાને હાંકી કઢાતા ભારે હોબાળો, મનપાની કડક કાર્યવાહી સામે ધંધાર્થીઓનો આક્રોશ ભભૂક્યો

5 દિવસના મેળા દરમિયાન રોડ રસ્તાઓ વન વે જાહેર કરવામાં આવ્યા, તેમ પાર્કિંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જો કે મેળો પૂર્ણ થતા આ તમામ પ્રતિબંધો ઉઠી ગયા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 19 Aug 2025 05:30 PM (IST)Updated: Tue 19 Aug 2025 05:42 PM (IST)
rajkot-news-huge-uproar-by-ousting-the-patharnawala-from-lok-mela-588233
HIGHLIGHTS
  • ગઈકાલે મેળો પૂર્ણ થતાં આજે મંજૂરી વિના પાથરણાવાળા ગ્રાઉન્ડમાં ઘૂસી ગયા
  • એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને પાથરણાવાળા વચ્ચે માથાકૂટ

Rajkot: રેસકોર્સમાં યોજાયેલ પાંચ દિવસીય લોક મેળો ગઇકાલે રાત્રીના પૂર્ણ થઇ ગયેલ છે અને આજે તમામ રાઇડ્સ અને સ્ટોલ વાળાઓ તેમનો સામાન ભરી સ્થળ ખાલી કરવા લાગી ગયા છે. જો કે દરવર્ષની માફક મેળો પૂર્ણ થયા બાદ રમકડા સહિતનો સામાન સસ્તા મળતો હોવાની આજ સવારથી લોકો રેસકોર્ષ ખાતે ઉમટી પડયા હતા. જેનો લાભ મેળાની બહાર બેસતા પાથરણાવાળાઓએ પણ ઉઠાવવાનો શરૂ કરતા નિયમ મુજબ મનપાના એસ્ટેટ વિભાગે પાથરણાવાળાઓ હાંકી કાઢવાની કાર્યવાહી શરૂ કરતા મોટી બબાલ થઇ હોવાનુ જાણવા મળેલ છે.

રેસકોર્ષ ખાતેનો મેળો ગઇકાલે પૂર્ણ થયા બાદ આજે રેસકોર્ષ મેદાન ખાલી થવા લાગ્યુ હતુ. મોટી રાઇડ્સની જગ્યા ખાલી થતા સમય લાગે, પરંતુ પાંચ દિવસ માટે સ્ટોલ સહિતના સંચાલકોને જગ્યા ફાળવવા આવી હોય તે ખાલી કરવાની સૂચના આપવામાં આવેલ, તેવી જ રીતે મેળાની બહાર ફૂટપાથ સહિતના સ્થળે આ વખતે નાના ધંધાર્થીઓ એટલે કે પાથરણા વાળાઓેને પણ જગ્યા ફાળવવામાં આવી છે. જેનુ સંચાલન મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતુ હતુ.

જો કે મેળો પૂર્ણ થવા છતા છેલ્લા દિવસે ખરીદી કરવા આવેલા ગ્રાહકોનો લાભ લેવા આવેલા પાથરણાવાળાઓએ જગ્યા ખાલી ન કરતા આજ સવારથી મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિકમાં અડચણ રૂપ અને ફૂટપાથ ઉપર બેસેલા પાથરણાવાળાઓને હટાવવાનુ શરૂ કર્યુ. તેવી જ રીતે અમૂક પાથરણાવાળાઓ રેસકોર્ષ ગ્રાઉન્ડમા બેસી ગયેલા હોય તેઓને દુર કરવાની કડક કાર્યવાહી હાથ ધરાતા એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સાથે પાથરણાવાળાઓએ માથાકૂટ કરતા અંતે વિજીલન્સ વિભાગ દ્વારા પાથરણાવાળાઓને હાંકી કઢાતા નાના ધંધાર્થીઓમાં રોષ વ્યાપી ગયો હતો.

રેસકોર્ષ ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ બહાર બેસતા પાથરણાવાળાઓને હટાવતી વખતે બબાલ થયાની ઘટના અંગે એસ્ટેટ વિભાગે જણાવેલ કે પાંચ દિવસના મેળા દરમિયાન રોડ રસ્તાઓ વન વે જાહેર કરવામાં આવેલ તેમ પાર્કિંગ સહિતની વ્યવસ્થા ગોઢવવામાં આવી હતી, પરંતુ મેળો પૂર્ણ થતા આ તમામ પ્રતિબંધો ઉઠી ગયેલ હોય. રેસકોર્ષ રીંગ રોડ પર વાહનનો અવર જવર શરૂ થતા પાથરણાવાળાના દબાણો દુર કરવા જરૂરી બન્યા હતા. સવારમાં આ લોકોને સૂચના આપવામાં આવેલ છતા દબાણો દૂર ન થતા કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે.