Rajkot News: ગોંડલમાં મજુરી કામ કરી ઘરે પરત ફરતાં શ્રમિક યુવકને તેનો મિત્ર તેના રૂમ પર લઈ ગયો હતો. જ્યાં બન્નેએ સાથે દારૂ ઢીચયા બાદ નશામાં ભાન ભુલેલા મિત્રએ યુવક પાસે સજાતિય સંબંધની માંગણી કરી નિર્લજ હુમલો કર્યો હતો. યુવાને સજાતિય સંબંધ બાંધવાનો ઈન્કાર કરતાં મિત્રએ દારૂના નશામાં સાણસી વડે માર મારી હાથ ભાંગી નાખ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં આવેલા માંડવી ચોકમાં રહેતો પિન્ટુ લછનભાઈ રાજભર નામનો 30 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના મિત્ર વિશાલના રૂમ પર હતો ત્યારે વિશાલે ઝઘડો કરી સાણસી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતાં ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહેલા પિન્ટુ રાજભરની પુછપરછ કરી નિવેદન નોંધ્યું હતું.
પ્રાથમિક પુછપરછમાં પીન્ટુ રાજભર અને હુમલાખોર વિશાલ બન્ને ઉત્તર પ્રદેશનાં વતની છે. પીન્ટુ રાજભર કડિયા કામ કરીને પોતાના રૂમ પર જતો હતો ત્યારે હુમલાખોર વિશાલ રસ્તામાં મળી જતાં પીન્ટુ રાજભરને પોતાના રૂમે લઈ ગયો હતો. જ્યાં બન્નેએ સાથે દારૂ પીધા બાદ નશામાં ભાન ભુલેલા વિશાલે મિત્ર પિન્ટુ રાજભર પાસે સજાતિય સંબંધની માંગણી કરી હતી. પીન્ટુ રાજભરે સજાતિય સંબંધ બાંધવાની ના પાડતાં ઉશ્કેરાયેલા વિશાલે સાણસી વડે માર મારી પીન્ટુ રાજભરનાં હાથ ભાંગી નાખતાં સારવારમાં ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગોંડલ પોલીસે હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહેલા યુવાને કરેલા આક્ષેપને પગલે તપાસનો દૌર લંબાવ્યો છે.