Rajkot: રાજકોટ શહેરના એસટી ડેપો ખાતે લાવવામાં આવતા ડીઝલ ટેન્કરની તપાસ માટે ખાસ અધિકારીઓ નીમાયેલા છે, ત્યારે જામનગર રોડ ખાતે આવેલ IOCLના રાજકોટ ટર્મીનલ ખાતેથી એક ડીઝલ ટેન્કર સુરેન્દ્રનગર જવાનું હોવાની માહિતી મળતા એસટી ડેપોના અધિકારીઓ વોચમાં હતા. આ સમયે ટેન્કર સુરેન્દ્રનગર તરફ જવાને બદલે મોચીનગર પહોંચ્યું હતું અને ત્યાંથી ડ્રાઇવર અને તેની સાથેના છ માણસોએ આ ટેન્કરનું સીલ તોડી તેમાંથી 100 લીટરથી 150 લીટર જેટલું ડીઝલ ચોરી કરી લીધું હતું. આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ,એસ.ટી. કોલોની ક્લાસ-2 કવાટર્સ એસ.ટી. વર્ક શોપની બાજુમા રહેતા સંજયભાઇ બાલક્રુષ્ણભાઇ લખતરીયા(ઉ.વ.38)એ ટેન્કરના ચાલક પોપટ પરામાં રહેતા અબ્બાસ કાસમ બુરબાન અને તેની સાથેના અજાણ્યા 6 શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
સંજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમા રાજકોટ વિભાગ ખાતે તકેદારી શાખામાં વિભાગીય તકેદારી સુરક્ષા અધીકારી તરીકે મારી નોકરી કરું છું.અમારા રાજકોટ વિભાગના વિભાગીય નિયામક જે.બી.કરોતરાની સૂચનાથી વિભાગના તમામ ડેપો ખાતે લાવવામાં આવતાં ડિઝલ ટેન્કરની ખાનગી રાહે વોચ રાખી ચકાસવાનું જણાવેલ હતું. જે અંગેની માહિતી અમારા ભંડાર અધિકારી દ્રારા મેળવીને અમોને માહિતી આપવામાં આવતી હોય છે.
આથી આજ રોજ અમને જાણવા મળ્યું કે, અમારા વિભાગના કાર્યક્ષેત્રમાં આવતાં સુરેન્દ્રનગર ડેપો ખાતે 20 કે.એલ. ભરેલું ડિઝલ ટેન્કર જવાનું , જે ટેન્કરના જે આઈ. ઓ. સી. એલ માંથી એલોકેશન થયેલ. આથી અમારા તાબા નીચેના સ્ટાફને સાથે રાખીને રાજકોટ જામનગર રોડ ખાતે આવેલ આઈ.ઓ.સી.એલના રાજકોટ ટર્મીનલ ખાતે સવારના વોચ રાખેલ હતાં. આ દરમ્યાન ભંડાર અધિકારી દ્રારા આપવામાં આવેલ ટેન્કર આઈ.ઓ.સી.એલના ટર્મીનલ ખાતેથી બહાર નીકળેલ હતું.જેથી અમારા સ્ટાફને સાથે રાખીને ટેન્કરની પાછળ અમારો સ્ટાફ કાર સાથે ગયો ત્યારે જોવા મળેલ હતું કે આ ટેન્કર સુરેન્દ્રનગર ખાતે ન જતાં મોચીનગર ખાતે આવેલ સોસાયટી નંબર 01 માં ગયું હતું.
દૂરથી વોચ રાખતાં ટેન્કરના ડ્રાઈવર દ્રારા આ સોસાયટીમાં એક ઘરની પાસે ટેન્કર ઉભું રાખીને તેમના માણસો બોલાવી ડ્રાઈવર અબ્બાસ દ્રારા આ ટેન્કરનું સીલ તોડીને તેમાંથી અંદાજીત 100 થી 150 લીટર જેટલું ડીઝલ બેરલમાં ભરેલ હશે. આ બનાવ બાદ અમે અમારા ભંડાર અધિકારી એ.એચ.ગૌસ્વામી,વિભાગીય નિયામક જે.બી. કરોતરાને જાણ કરતાં તેઓ તેમની સાથે વિભાગીય યાંત્રિક ઇજનેર એન.સી.સોનીને રૂબરૂ સ્થળ મુલાકાતે આવેલ અને જિલ્લા પુરવઠા ઈન્સપેકટર મિલનભાઇ દેસાઇને સાથે લાવેલ ત્યારે બનાવના સ્થળ પર નજીકથી રૂબરૂ જોતાં અન્ય માણસો ત્યાંથી નાસી ગયા હતા. જે મકાન પાસે આ ટેન્કર રાખેલ હતું ત્યાં આવેલ રૂમમાં આ ટેન્કરમાંથી કાઢવામાં આવેલ અંદાજે 100 થી 150 લીટરનો મુદ્દામાલ તેમજ ખાલી બેરલો જોવા મળ્યા હતા.જેથી આ મામલે 100 નંબર પર કોલ કરી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.