CM Rekha Gupta Attack: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાના મામલામાં રાજકોટમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે રાજકોટમાં ધામા નાખીને પાંચ જેટલા લોકોની સઘન પૂછપરછ કરી હતી. જે બાદ એક વ્યક્તિની અટકાયત કરીને તેને વધુ તપાસ માટે દિલ્હી લઈ જવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસની ટીમે તેહસીન સૈયદ નામના શખ્સને પૂછપરછ બાદ દિલ્હી લઈ જવાની કાર્યવાહી હાથ ધરી છે. તેહસીન સૈયદે રાજેશ સાકરિયા નામના અન્ય એક વ્યક્તિને રૂ. 2000 ટ્રાન્સફર કર્યા હતા. આ નાણાંકીય વ્યવહારને લઈને પોલીસને શંકા ગઈ હતી અને તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસે આ સમગ્ર મામલે તપાસ પૂર્ણ કરી તેહસીનને દિલ્હી રવાના કરી દીધો છે, જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. આ હુમલાના કાવતરામાં રાજકોટના અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ, તે અંગે પણ દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે.