Rajkot: રાજકોટમાં આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાચા અર્થમાં મોરે મોરોના દ્રશ્ય જોવા મળ્યા હતા. બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે બનાવેલા મંચ પરથી મોહમ્મદ રિઝવી નામની વ્યક્તિએ વડાપ્રધાન મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા અંગે અભદ્ર ટિપ્પણી કરતા આ મુદ્દાને ભાજપે વિરોધ સ્વરૂપે લઇ લીધો છે.
આજે રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જ્યાં બંને પાર્ટીના આગેવાનોએ એકબીજા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.રામનાથ પરા વિસ્તારમાં આવેલ ગરુડ ગરબી ચોકમાં યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું.
મેયર સહિત મહિલાઓએ રાહુલ ગાંધી હાય હાયના છાજિયા લીધા હતા. જ્યારે ભાજપના આગેવાનોએ રાહૂલના પૂતળાને પાટા મારી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જેના વળતા જવાબમાં સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વોટ ચોર ગદ્દી છોડ સહિતના નારા લગાવી પ્રતિકાર કર્યો હતો.

છેલ્લા ઘણા સમયથી લુપ્ત થઈ ગયેલા પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને તાજેતરમાં જેમણે નિવૃત્તિના સંકેત આપ્યા હતા તેવા ગોવિંદ પટેલ આજે વિરોધના જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદ આ બંને નેતાઓ હવે વર્ષો બાદ ભાજપના કાર્યક્રમમાં દેખાયા હતા.