Rajkot: ડુંગળીની આડમાં ગોંડલ લઈ જવાતો રૂ. 1.04 કરોડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, દ્વારકાના ડ્રાઈવરની ધરપકડ

વાપીથી નીકળ્યા બાદ ગોંડલ હાઈવે પર પહોંચીને બુટલેગરે ડ્રાઈવરને ફોન કરવા કહ્યું હતુ. જ્યારે દારૂનું કટિંગ ગોંડલ અથવા ભાણવડમાં થવાનું હતુ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 23 Jul 2025 05:08 PM (IST)Updated: Wed 23 Jul 2025 05:08 PM (IST)
rajkot-news-ahmedabad-lcb-caught-rs-1-04-crore-liquor-seized-held-driver-571823
HIGHLIGHTS
  • બગોદરા નજીક અમદાવાદ ગ્રામ્ય LCB ત્રાટકી
  • ભાણવડના બુટલેગરનું નામ ખુલ્યું

Rajkot: વાપીથી ડુંગળીની આડમાં ગોંડલ તરફ આવતો રૂ.1.04 કરોડ રૂપિયાનો 700 પેટી દારૂ ભરેલ ટ્રકને અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આ સાથે જ રૂ. 1.24 કરોડનો મુદામાલ કબજે કરી દેવભૂમિ-દ્વારકાના ડ્રાઈવરની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે બગોદરા તરફ આવી રહેલા રાજકોટ પાસીંગના GJ 03 AW 8407 એક ટ્રકને રોકવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા તેમાં ડુંગળીના ઢગલાની પાછળ ખૂબ જ ચાલાકી પૂર્વક સંતાડેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 700 પેટીઓ એટલે કે 17,940 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. આ દારૂની કિંમત રૂ.1,04,72,640 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત પોલીસે ટ્રક, બે મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.1,24,85,860નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક દેવભૂમિ દ્વારકાના મનસુખ ખીમા કોડિયાતરની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે, દારૂની હેરાફેરીના મુખ્ય સૂત્રધાર ગણાતા ભાણવડના ભરત ડાહ્યાભાઈ હૂણ નામના બુટલેગરે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ જંગી જથ્થો વાપીથી ગોંડલ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.

રાજકોટ પાર્સિંગનો આ ટ્રક લઈને ડ્રાઈવર કે જે દેવભૂમિ દ્વારકાનો મનસુખ કોડિયાતર હોય તે માલ લઈને વાપી ગયો હતો. જ્યાંથી આ ટ્રક પરત ખાલી આવાનો હોય, ત્યારે મનસુખને ભાણવડના ભરત ડાહ્યા હુણે ફોન કરી દમણ પાસેથી દારૂનો જથ્થો ભરી લાવવાની વાત કરી હતી. આથી મનસુખ પોતાના ટ્રકમાં 700 બોટલ દારૂ ડુંગરીની આડમાં ભરીને લાવ્યો હતો અને આ દારૂનો જથ્થો વાપીથી ગોંડલ સુધી લાવવામાં આવનાર હતો.

ગોંડલ હાઈવે પર પહોંચીને ભરતે મનસુખને ફોન કરવા જણાવ્યું હતું. જેથી ફોન કર્યા બાદ આ દારૂનો જથ્થો ક્યા રસ્તેથી લાવવો અને ક્યાં ઉતારવાનો હોય તે માહિતી આપવાનો હતો. વાપીથી નીકળેલા મનસુખના સાથે બુટલેગર ભરત હુણ સતત સંપર્કમાં હતો. જ્યારે દારૂનું કટીંગ ગોંડલ આસપાસ અથવા તો ભાણવડ પાસે કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ તે પૂર્વે જ અમદાવાદ ગ્રામ્ય એલસીબીને બાતમી મળતા વાપીથી ગોંડલ તરફ જવા નિકળેલા આ ટ્રકને બગોદરા પાસે આંતર્યો હતો અને તેમાં તપાસ કરતા ડુંગરીના જથ્થાની આડમાં છુપાવેલો એક કરોડની કિંમતનો 17,940 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે મનસુખની ધરપકડ કરી ભરત હુણ અને દારૂ સપ્લાય કરનાર સપ્લાયર સામે ગુનો નોંધી બન્નેના નામ ખોલી વધુ તપાસ શરૂ કરી છે.