Parshottam Rupala Latest News: એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાનો પ્રચંડ વિરોધ રાજ્યભરમાં કરવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી માગ કરાઈ રહી છે. બીજી તરફ રાજકોટ ભાજપ દ્વારા રુપાલાની બહુમાળી ભવન નજીક થનારી જાહેર સભાની આજથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આગામી 16 એપ્રિલના રોજ પરષોત્તમ રુપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે અને એ પહેલા તેઓ બહુમાળી ભવન ખાતે જંગી જાહેર સભા કરવાના છે.
પરષોત્તમ રુપાલાના ફોર્મ ભરવા અને જાહેર સભા અંગે ભાજપના કોર્પોરેટર કેતન પટેલે જણાવ્યું હું કે, આગામી 16 એપ્રિલે સવારે 10.30 વાગ્યે પરષોત્તમ રુપાલા ફોર્મ ભરવા જશે ત્યારે અહીં જાહેર જંગી સભા કરવામાં આવશે. આ જાહેર સભાના ભાગરૂપે આજથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે રુપાલા વિરુદ્ધ ચાલી રહેલા ક્ષત્રિય સમાજના વિરોધ અંગે તેમણે કંઇપણ કેહવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે હાલ તેમની જાહેર સભા અને ફોર્મ ભરવા અંગેની તૈયારીઓ ચાલી રહી છે.

વિવાદિત ટિપ્પણી બાદ રાજ્યભરમાં વિરોધ
પોતાના આખાબોલા સ્વાભાવ માટે જાણીતા પરષોત્તમ રુપાલા દ્વારા એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીના પગલે સૌરાષ્ટ્ર અને હવે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક ગામો અને શહેરોમાં રુપાલા વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કરણી સેના દ્વારા પણ આ મામલે પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રુપાલા દ્વારા બે વાર માફી માગી લેવામાં આવી હોવા છતાં પણ સમાજ તેમને માફ કરવા તૈયાર નથી અને ભાજપ પાસે માત્ર તેમની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ કરાઈ રહી છે.