Ambaji Bhadarvi Poonam 2025: "આસ્થા તમારી વ્યવસ્થા અમારી"ના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ કરાયો છે. શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી 7 સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાઇ રહ્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાની આજથી શરૂઆત કરાઈ છે.
અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ માઁ અંબેના દર્શને આવી રહ્યા છે. આ વર્ષે મેળાને વધુ સુખદ અને સ્વચ્છ બનાવવા માટે "સ્વચ્છતા ત્યાં પ્રભુતા"ના સૂત્ર સાથે એક ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

1500 સ્વચ્છતા યોદ્ધાઓનું અનોખું મિશન
જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવેના નેતૃત્વ હેઠળ કુલ 1500 સફાઈકર્મીઓ દિવસ-રાત સ્વચ્છતા જાળવવામાં લાગેલા છે. આ સફાઈકર્મીઓની મહેનતથી અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ચોખ્ખાઈ જોવા મળી રહી છે, જેના કારણે યાત્રાળુઓને એક સુખદ અનુભવ મળી રહ્યો છે. કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોથી ભાદરવી પૂનમનો આ મહામેળો સ્વચ્છતા અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ બની ગયો છે.


ભક્તોની સેવા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. માં અંબા ને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂરદુરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠી ને પણ મા અંબાના ધામ પહોંચશે. ત્યારે ભકતોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહિવટી તંત્ર સજજ બન્યું છે.

