Vadodara News: વડોદરામાં ગણેશોત્સવ દરમિયાન શહેરની શાંતિ ભંગ કરવા માટે રચાયેલ કાવતરામાં પોલીસે મોટો ખુલાસો કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકનાર માફિયા ગેંગના મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધી, તેની માતા સાદેકા સિંધી, સમીર શેખ ઉર્ફે બંગાળી અને અનસ કુરેશીને પોલીસે કોર્ટમાં રજુ કરી 3 સપ્ટેમ્બર સુધીનો રિમાન્ડ મેળવ્યો છે.
પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, સોમવારે મોડી રાતે પાણીગેટ ખાતે માસૂમ ચેમ્બર્સમાં ગેંગે મિટિંગ યોજી હતી. જેમાં સુફીયાન ઉર્ફે ગામા મનસુરી, શાહનવાઝ ઉર્ફે બડબડ કુરેશી, જુનેદ ઉર્ફે મોટો મગર, જાવીદ ઉર્ફે નાનો મદર, સલમાન ઉર્ફે ગધો, મોહંમદ હુશેન ઉર્ફે લાલાભાઇ સહિતના આરોપીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં શહેરમાં તણાવ ફેલાવવા અને શ્રીજીની સવારી પર હુમલો કરવાની યોજના ઘડાઈ હતી.
આયોજન મુજબ માંજલપુરના નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશ સવારી દરમ્યાન ઇંડા ફેંકી કાવતરું અમલમાં મૂકાયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અત્યાર સુધીમાં એક સગીર સહિત 10 આરોપીઓને પકડી લીધા છે.
આ પણ વાંચો
મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધી ફરાર થયો હતો, પરંતુ પોલીસે લોકેશન ટ્રેસ કરીને અજમેરમાંથી સમીર અને અનસ સાથે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ જુનેદની માતા સાદેકાની સંડોવણી બહાર આવતા આજે તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આજે આરોપીને કોર્ટમાં રજૂઆત કરી ગુનાની ગંભીરતા દર્શાવી વધુ પુરાવા મેળવવા અને કાવતરામાં સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે રિમાન્ડની માંગણી કરી હતી, જેથી કોર્ટે ચારે આરોપીઓના 3 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ હવે આ ગેંગની ફંડિંગ, નેટવર્ક અને માસ્ટરમાઈન્ડ વિશે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.