Vadodara News: મોડે મોડે પણ કોંગ્રેસ મેદાને આવી ખરી. કોંગ્રેસે વડોદરા લોકસભા બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે ક્ષત્રિય સમાજના પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારને લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે જશપાલસિંહ પઢિયાર આવતીકાલથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવાના હોવાથી આજે ચંદ્રકાંત શ્રીવાસ્તવના ઘરે પ્રચારની રણનીતિ ઘડવા કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી.
પરષોત્તમ રૂપાલાના નિવેદન વચ્ચે કોંગ્રેસે ક્ષત્રિય કાર્ડ રમી વડોદરા લોકસભા બેઠક પરથી જશપાલસિંહ પઢિયારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે કોંગ્રેસ પોતાના ઉમેદવારને લોકસભાની ચૂંટણીમાં જીત અપાવવાની તૈયારીઓમાં લાગી ગયું છે. જેના ભાગરૂપે આજે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયારના પ્રચારની રણનીતિ ઘડવા કોંગ્રેસની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. વડોદરા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવના ઘરે કોંગ્રેસની મહત્ત્વની બેઠક મળી હતી.
આ બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર, શહેર કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેટરો, મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ જોતા લોકસભા ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસ એકજૂટ દેખાઈ હોય તેવી ચર્ચા શરુ થઇ હતી. એકબીજાના કટ્ટર હરીફો કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા એક થયા હતા.
મહત્ત્વનું છે કે, જશપાલસિંહ પઢિયાર આવતીકાલથી પ્રચારની શરૂઆત કરશે. ત્યારે જશપાલસિંહ પઢિયારના પ્રચારના શ્રીગણેશ કરતા પહેલા લોકસભાની ચૂંટણીમાં જીતની રણનીતિ ઘડવા માટે આજે કોંગ્રેસની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. ત્યારે હવે આ બેઠકની રણનીતિ મુજબ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠક જીતવામાં કેટલું સફળ રહેશે તે તો પરિણામના દિવસે જ સામે આવશે.