Ambaji Bhadarvi Poonam 2025: "આસ્થા તમારી, વ્યવસ્થા અમારી"ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને વિનામૂલ્ય ભોજન વ્યવસ્થા પૂરી પાડવા માટે મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ખુબ જ સુંદર આયોજન કરાયું છે.
દર્શનાર્થીઓને સારી સુવિધા મળતા આજે પ્રથમ દિવસ મહા મેળામાં દર્શનાર્થીઓ નિઃશુલ્ક ભોજનનો લાભ લઈને તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. અંબાજી ખાતે ચાર જેટલા ભોજનાલયોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

આ ચાર ભોજનાલય ખાતે પદયાત્રીઓને શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. એક ભોજનાલયમાં એક દિવસમાં 20થી 25 હજાર જેટલા માઈભક્તોને પ્રેમથી ભોજન કરાવવામાં આવી રહ્યું છે. ભોજનમાં દાળ ભાત શાક રોટલી સહિત ફરસાણ તેમજ રાત્રીના ભોજનમાં કડી ખીચડી ભાખરી શાક અને ફરસાણ તેમજ મીઠાઈ આપવામાં આવે છે.


આ સાથે ભોજનાલયમાં સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કોઈ પણ નાત જાતના ભેદ વિના સૌને એક સમાન માઈ ભક્ત માની સ્વજનની જેમ પ્રેમ થી ભોજન કરવામાં આવી રહ્યું છે.
