Rajkot: આણંદપર બાઘીમાં પતિએ પત્નીનું ઢીમ ઢાળ્યું, દારૂ ઢીંચી ઝઘડો કરતાં ઉશ્કેરાઈને બોથડ પદાર્થથી માથું છુંદી નાંખ્યું

પત્નીની હત્યા કર્યાં બાદ તેના લોહીથી ખરડાયેલા મૃતદેહ પાસે હત્યારો પતિ કલાકો સુધી બેસી રહ્યો. આસપાસના ખેતરમાં કામ કરતાં મજૂરોએ વાડી માલિકને જાણ કરી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 06 Aug 2025 07:04 PM (IST)Updated: Wed 06 Aug 2025 07:04 PM (IST)
rajkot-crime-news-husband-killed-wife-in-anandpar-baghi-580506
HIGHLIGHTS
  • વાડી માલિકે હત્યારા પતિને પોલીસને હવાલે કર્યો
  • રાજસ્થાનમાં રહેતા પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી

Rajkot: રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે સામે આવી છે. હજુ થોરાળા વિસ્તારમાં આવેલા મીરા ઉદ્યોગ વિસ્તારના કોમન પ્લોટમાંથી મળી આવેલા લાશનો હજુ સુધી ભેદ ઉકેલાયો નથી, ત્યા આજે વધુ એક લોથ ઢળી હતી. જેમા રાજકોટ શહેરની ભાગોળે આવેલા આણંદપર બાઘી ગામે વાડીમાં રહેતા પરપ્રાંતીય મજૂર દંપતી વચ્ચે રાત્રીનાં સમયે ઝઘડો થયો હતો. જેનાં કારણે ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માથાનાં અને મોઢાનાં ભાગે બોથડ પદાર્થનાં ઘા ઝીકી દીધા હતા. જેમાં પત્નિનુ ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ. આ બાબતની જાણ થતાં વાડી માલિકે પત્નીની લાશની બાજુમાં બેઠેલા પતિને પકડી કુવાડવા પોલીસને સોપ્યો હતો.

રાજકોટની ભાગોળે આવેલા આણંદપર બાઘી ગામે આવેલી ભરતભાઇ વાઢેરની વાડીએ ખેત મજૂરી કરતા મૂળ રાજસ્થાનનાં વતની કમલી રામચરણ સેહરીયા (45) નામની મહિલાને તેના પતિ રામચરણ સેહરીયાએ ગઇકાલે રાત્રે માથાનાં ભાગે અને મોઢાનાં ભાગે બોથડ પદાર્થનાં ઘા ઝીકી દેતા તેનુ ઘટના સ્થળે મૃત્યુ નીપજયુ હતુ . આ ઘટના બાદ ત્યા અવાજ આવતા આજુબાજુનાં મજૂરો દોડી આવ્યા હતા અને તેમણે રામચરણને બેસાડી રાખ્યો હતો. તેમજ મજૂરોએ વાડી માલિક ભરતભાઇ વાઢેરને જાણ કરતા તેઓ મોડી રાત્રે પોતાની વાડીએ પહોંચી ગયા હતા. જેમણે ત્યાં જઇને જોયુ તો કમલીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડયો હતો અને બાજુમા તેનો પતિ રામચરણ બેઠો હતો.

આ હત્યાની ઘટના બાદ ભરતભાઇ વાઢેરે તુરંત કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશનનાં પીઆઇ બી. પી. રજીયા, અને સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસે વાડી માલિક તેમજ મજૂરોના નિવેદન લઇ રામચરણ સેહરીયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ શરુ કરી હતી. આ સાથે જ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, રામચરણ વધારે દારું પી ગયો હોવાથી તેની પત્ની સાથે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા રામચરણે બોથડ પદાર્થના આડેધડ ઘા ઝીંકી દેતા કમલીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. રામચરણ છેલ્લા ઘણાં સમયથી ભરત વાઢેરની વાડીએ ખેતમજૂરી કરતો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે, જે રાજસ્થાનમાં રહે છે.

રાજકોટમાં 4 દિવસમાં ચોથી હત્યાથી હાહાકાર
રાજકોટમાં પાંચેક દિવસ પહેલા માયાણી નગર ખીજડાવાળા રોડ પર આવેલા કોમન પ્લોટ માથી મૂળ ઉત્તર પ્રદેશના રાજેશની પથ્થરનાં ઘા ઝીકી હત્યા કરવામા આવી હતી . જેમાં બે યુવાનોની ધરપકડ કરાઈ હતી. જે બાદ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા ખુલ્લા પ્લોટમાંથી મૂળ ઓરીસ્સાનાં સુધીર નામનાં યુવાનની પથ્થરનાં ઘા ઝીકી હત્યા કરવામા આવી છે. આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે.

એવામાં એજ દિવસે સાંજનાં સમયે કોઠારીયા સોલવન્ટ પાસે શિતળાધાર મફતીયાપરામાં આવેલી ઓરડીમાથી પારડીનાં ભાવેશ વ્યાસની હત્યા કરાયેલી લાશ મળી હતી. જેમા પોલીસે એક યુવતી સહીત 4 શખસોને ઝડપી લીધા હતા. જ્યારે આજે ચોથા દિવસે વધુ એક હત્યાની ઘટના કુવાડવા પોલીસ મથકનાં ચોપડે નોંધાતા પોલીસ ફરી દોડતી થઇ હતી.