Rajkot News: રાજકોટની બી.એ. ડાંગર હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થી ધર્મેશના આપઘાતનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ કોલેજમાં ભારે ધમાલ મચાવી હતી. તેમણે કોલેજને બંધ કરાવી હતી અને વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બહાર કાઢીને તાળાબંધી કરી હતી.
ABVPના સહમંત્રી સત્યપાલસિંહ જાડેજાએ નિવેદન આપતા આક્ષેપ કર્યો કે, કોલેજ પરીક્ષામાં ચોરી કરાવવાના પૈસા લેતી હતી અને વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ ન કરતાં ધર્મેશે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો. જોકે, વિદ્યાર્થીઓ પર દેણું હતું કે કેમ તે અંગે તેઓ જાણતા ન હોવાનું પણ તેમણે જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે, જો ડો. હરેશ જોગરાજીયા ચોરી કરાવવાના રૂપિયા લેતા હોય તો તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
આ ઉગ્ર વિરોધ દરમિયાન ABVPના કાર્યકરોએ કોલેજના ટ્રસ્ટીની ચેમ્બરના કાચ પણ તોડ્યા હતા. પોલીસની હાજરીમાં આ ધમાલ થઈ હતી, જેમાં બારી અને ટેબલના કાચને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જોકે, ABVP કાર્યકરોએ દાવો કર્યો કે, અમારા વિદ્યાર્થીઓ કાચ સાથે અથડાતા કાચ તૂટ્યા છે.