Aniruddhsinh Jadeja Ribda: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને એકસાથે બે મોટા ઝટકા લાગ્યા છે. હાઈકોર્ટે પોપટ સોરઠિયા હત્યા કેસમાં તેમને એક મહિનામાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે, જ્યારે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તેમની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી દીધી છે.
હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને આદેશ આપ્યો છે કે તેઓ તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા કેસમાં એક મહિનાની અંદર હાજર થાય. જેલ અધીક્ષક ટી.એસ. બિસ્ત દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને હાઈકોર્ટે રદ કર્યો છે. આ સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાને પોલીસ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં શોધી રહી છે.
વર્ષ 2018માં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર દ્વારા જેલ આઈજી ટી.એસ. બિષ્ટને પત્ર લખવામાં આવ્યો હતો અને અનિરુદ્ધસિહને માફી પર મુક્ત કરવાની વિનંતી કરવામાં આવતા સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. અનિરુદ્ધ સિંહ જાડેજાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા તે સમયે તેમણે 18 વર્ષની સજા ભોગવી હતી. વર્ષ 2018માં અનિરુદ્ધસિંહ જાડેજાને આપવામાં આવેલી સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી.
15 ઓગસ્ટ, 1988ના રોજ ગોંડલની સંગ્રામ સિંહજી હાઇસ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ હતો. જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. આ સજા માફીને રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે.