Patan MLA Kirit Patel vs Hiral Thakar: પાટણમાં ધારાસભ્ય અને ચીફ ઓફિસર વચ્ચે હોર્ડિંગ્સ હટાવવાને લઈને વિવાદ થયો હતો. પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલા હોર્ડિંગ્સને અચાનક હટાવવાની કાર્યવાહી શરૂ કરી, જેના કારણે ધારાસભ્ય કિરીટ પટેલ અને ચીફ ઓફિસર હીરલ ઠાકર વચ્ચે બોલાચાલી થઈ હતી. ધારાસભ્યએ પાલિકા પર જાણ કર્યા વિના કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે ચીફ ઓફિસરે દાવો કર્યો હતો કે હોર્ડિંગ્સ ગેરકાયદેસર હતા અને પાલિકાને તેનો કોઈ ચાર્જ મળ્યો નથી. કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે ચીફ ઓફિસરે ધારાસભ્યની ગરિમા જાળવી નથી.
હોર્ડિંગ્સ હટાવવાની કાર્યવાહીથી વિવાદ
મળતી માહિતી મુજબ, પાટણ શહેરમાં ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સને લઈને વિવાદ સર્જાયો છે. ઘટના એવી છે કે ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસ નિમિત્તે શહેરભરમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ ચીફ ઓફિસર દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. ખાસ કરીને, ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ આ મુદ્દે આમને સામને આવી ગયા હતા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચીફ ઓફિસર હીરલ ઠાકર વચ્ચે આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે હોર્ડિંગ્સ ઉતારવાની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ઘટના સ્થળે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કામ કરવું નથી અને બેનર ઉતારવા સિંહણ બનીને આવે છે: કિરીટ પટેલ
ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ચીફ ઓફિસર જાતે બોર્ડ ઉતારવા માટે આવે છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આજે અમે જે સેવાકીય કામો કર્યા, લોકો ખાડામાં ત્રસ્ત બન્યા હતા, જે ગંદકી હતી અને મીડિયાએ એની ગંભીર પ્રમાણે નોંધ લીધી અને પાલિકાનું જે તંત્ર નિષ્ફળ છે બતાવ્યું એટલે એમના પગ નીચેથી હવા નીકળી ગઈ છે.
નગરપાલિકાનું તંત્ર એ ભ્રષ્ટ છે, ચીફ ઓફિસરની આ જવાબદારી નથી. ચીફ ઓફિસરને અમે વિનંતી કરી કે તમારામાં તાકાત હોય તો પાટણની ગંદકી હટાવો. એ કામ કરવું નથી અને જાતે બેનર ઉતારવા માટે સિંહણ બનીને આવે છે. આ ચીફ ઓફિસર માટે એ શોભતું નથી. જ્યાં સુધી એનો કોન્ટ્રાક્ટ રદ ના કરવામાં આવે તો એ બેનર હટાવી શકે નહીં અને એજન્સીએ બેનર ગેરકાયદેસર લગાવે તો એને એજન્સીને નોટીસ આપવી પડે. આ જાતે પોલીસ બંદોબસ્ત લઈ અને ચીફ ઓફિસર એક બેનર ધારાસભ્યના લગાવેલા બેનર કાઢવા માટે નીકળી પડે.
ના પાડી છતાં લગાવ્યા એટલા ઉતારવા પડ્યાઃ પાલિકા ચીફ ઓફિસર
ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે, આ બાબતે ટેકનિકલ કારણોસર એમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી, તેમ છતાં એ ખોટા ખોટા કારણો ઊભા કરી અને અત્યારે આ આખું વાતાવરણ ડોહળવાનો અને પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે કે નગરપાલિકાની જગ્યા હોય ત્યાં તમે ધારો ત્યાં તમે દબાણ કરી શકો. આજે પાટણ શહેરની અંદર આટલા બધા લારી ગલ્લા આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે આવા જ કારણોસર એ બધું હટતું નથી. આજે ઉતારવાની જરૂર પડી એવું નથી. આજે અમે અહીંયા આવ્યા મીટિંગમાં અને મેં જોયું કે નગરપાલિકાની જગ્યા પર એમને લગાવ્યા છે એટલે ના પાડવા છતાં લગાવે એટલે ઉતારવાની આવશ્યકતા પડી.