Panchmahal: હાલોલની ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં ફરજ બજાવતા કામદાર આધેડનું અકસ્માતે મોત નીપજ્યું હતુ. જેના પગલે તેમના પરિવારજનોએ ગ્રામજનો સાથે મળીને કંપનીના મેનેજમેન્ટ પર સંગીન આક્ષેપો કરીને ગેટ બહાર ધરણાં પર બેસી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વેજલપુરના સુરેલી ગામમાં રહેતા કમલેશભાઈ પટેલ (50) છેલ્લા 30 વર્ષથી હાલોલની ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા. જો કે આજે ફરજ દરમિયાન કમલેશભાઈની તબિયત લથડતા તેઓ કંપનીમાં પડી ગયા હતા.
જેથી તાત્કાલિક કમલેશભાઈને હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ અવસાન થયું હતું.
આ મામલે કમલેશભાઈના પરિવારજનો અને ગ્રામજનોએ કંપનીના મેનેજમેન્ટ પર ગંભીર બેદરકારી દાખવવાનો આક્ષેપ કરતાં જણાવ્યું કે, જો સમયસર સારવાર મળી હોત તો કમલેશભાઈનો જીવ બચી શક્યો હોત. આ દુર્ઘટનાથી આક્રોશિત થઈ કમલેશભાઈના પરિવારજનો તથા સુરેલી ગામના 100થી વધુ લોકો આજે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા હતા. તેઓએ કમલેશભાઈના મૃતદેહને કંપનીના ગેટ પાસે મૂકીને નારાજગી વ્યક્ત કરી હતી.
પરિવારજનોની માંગ છે કે, કંપની કમલેશભાઈના મોતની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી તેમજ તેમની વિધવા પત્ની અને ત્રણ સંતાનો માટે યોગ્ય વળતર આપે. આ ઉપરાંત પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે આર્થિક સહાય પણ પૂરતી હોવી જોઈએ એવી તેમની ઉગ્ર માંગણી છે.
આ ઘટનાની જાણ થતા હાલોલ ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિ પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કલાકો સુધી મૃત્યુ પામેલા કમલેશભાઈનો મૃતદેહ કંપનીના ગેટ પાસે રહ્યો હતો. જો કે કંપનીના મેનેજમેન્ટ તરફથી કોઈપણ પ્રતિનિધિ બહાર મળવા આવ્યો નહોતો, જેને લઈ સ્થાનિકોમાં પણ ગંભીર નારાજગી જોવા મળી હતી.