Panchmahal: પંચમહાલ જિલ્લાના દેવડેમની જળસપાટી સતત વધી રહી છે. હાલ દેવ ડેમની જળસપાટી 87.88 મીટરે પહોંચી છે, જ્યારે આજનું રૂલ લેવલ 87.50 મીટર નક્કી કરાયું છે. પાણીનો દબાણ વધુ થવાથી આજે દેવ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા નંબર 3, 4, 5 અને 6 ને 0.45 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. તંત્ર દ્ધારા નદી કાંઠાના ગામોમાં સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.
ઉપરવાસમાં સતત વરસાદને કારણે દેવ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલ દેવ ડેમમાં 753.80 ક્યુસેક એટલે કે આશરે 26,620.64 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. પાણીનું સ્તર નિયંત્રિત રાખવા રાખવા નદીમાં 158.2 ક્યુસેક એટલે કે લગભગ 5,586 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉપરવાસમાં વરસાદ યથાવત રહેશે તો દેવ ડેમના દરવાજા વધુ ખોલવાની શક્યતા છે. જેને લઈ દેવ નદીના કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાઘોડીયા અને ડભોઇ તાલુકાના નદી કાંઠાના ગામોમાં સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. તંત્ર દ્ધારા નદી કાંઠાની આસપાસના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અવરજવર ટાળવા કડક સૂચના આપી છે. ઉપરાંત નદી કાંઠાના ગામોમાં તલાટીઓને વિશેષ સાવચેત રહેવા આદેશ આપવામાં આવ્યો છે.