Panchmahal News: શ્રાવણ માસના પવિત્ર અવસર પર જાંબુઘોડા અભ્યારણના સુંદર પ્રાકૃતિક પરિસરમાં આવેલા ઝંડ હનુમાન મંદિરે શ્રાવણ માસના બીજા શનિવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. દૂર-દૂરથી દર્શન માટે આવેલા ભક્તોના જય શ્રીરામ, જય હનુમાન દાદાના જયકારાથી અભ્યારણ ગુંજી ઉઠ્યું હતું. સાથે ભક્તોએ મંદિરની બાજુમાં આવેલ ભીમની ઘટીના દર્શન કરી મહાભારત કાળની યાદો તાજી કરે હતી. ડુંગરોની હરમાળા વચ્ચે સ્થિત આ મંદિર પ્રાચીનતા અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવતું ધાર્મિક સ્થળ છે.
શ્રાવણ માસ દરમિયાન દરેક શનિવારે અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. સ્થાનિક લોકકથાઓ મુજબ, આ સ્થળે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસ અને એમાં શનિવારે અહીં વિશેષ મેળો ભરાય છે. સાથે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના પણ થાય છે. ખાસ કરી શ્રાવણ માસ અને એમાં પણ શનિવારે ભક્તો દૂર દૂરથી અહીં પોતાની મનોકામના લઇ વહેલી સવારથી જ મંદિરે પહોંચતા હોય છે અને જય હનુમાન દાદાના જયકારાઓ સાથે પૂજા અર્ચના કરી હનુમાન દાદાના આશીર્વાદ મેળવતા હોય છે.
શ્રાવણ માસમાં હનુમાન દાદાના દર્શનથી મનની તમામ કામનાઓ પૂર્ણ થાય છે એવો ભક્તોનો વિશ્વાસ છે. મંદિર પરિસરમાં ભજન, કીર્તન સાથે ભક્તિ ભાવના છવાઈ ગઈ હતી. બીજા શનિવારે વહેલી સવાર થી જ હજારો ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જાંબુઘોડા અભ્યારણના હરિયાળા ડુંગરોમાં આવેલું ઝંડ હનુમાન મંદિર પ્રાચીન શ્રદ્ધા અને શક્તિનું પ્રતિક છે. માન્યતા છે કે અહીં હનુમાનજીએ તપ કર્યો હતો, જેના કારણે આ સ્થાન શક્તિસ્થળ બન્યું. મંદિરમાં ફરકતો ઝંડો હનુમાનજીના રક્ષણ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. નજીકમાં આવેલી ભીમની ઘટી મહાભારત કાળની યાદો તાજી કરે છે, કારણ કે કહેવાય છે કે ભીમસેને અહીં વિરામ લીધો હતો. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો આ વિસ્તાર ઠંડા ઝરણા, શાંત માહોલ અને દૃશ્યાવલિથી પર્યટકો અને ભક્તોને આકર્ષે છે. મોનસૂન દરમિયાન અહીંનો નજારો અદભૂત લાગે છે.
જાંબુઘોડા અભ્યારણમાં સ્થિત ઝંડ હનુમાન મંદિર ભક્તિ અને પ્રકૃતિનો અદ્ભુત અનુભવ કરાવે છે અને શ્રાવણ માસમાં વિશેષ મહિમા ધરાવે છે. વડોદરાથી માત્ર 75 કિમી દૂર આવેલ ઝંડ હનુમાન મંદિરે જવા વડોદરાથી હાલોલ-પાવાગઢ-ખાનપુર માર્ગે સરળ રોડ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. ખાનગી વાહન, ટેક્સી અને GSRTC બસ દ્વારા પણ સહેલાઈથી મંદિરે સુધી પહોંચી શકાય છે. તેમજ જાંબુઘોડાથી મંદિર સુધી સ્થાનિક વાહન પણ સરળતાથી
ઉપલબ્ધ થઇ જાય છે. ચોમાસા દરમ્યાન ડુંગરોની વચ્ચેનું દૃશ્ય અને ભક્તિભાવના અહીં આવતા દરેકને મંત્રમુગ્ધ કરી દેશે. ભક્તો માટે પરોલીથી રાજ રાજેશ્વરી મેલડી ધામ ભાથીજી યુવક મંડળ વડોદરા તથા ક્ષત્રિય બારીયા સમાજ દ્વારા પ્રસાદ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.