Panchmahal News: હાલોલ તાલુકાના વાઘવાણી ગામે ગત રાત્રીના પારિવારિક ઝગડો ઉગ્ર બનતાં મારામારીમાં ફેરવાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકના પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપો થતા હાલોલ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના હાલોલના વાઘવાણી ગામમાં રહેતા દિલીપસિંહ માધવસિંહ પરમાર પોતાના ઘરે હતા. તે સમયે તેમના કુટુંબી પ્રવીણસિંહ ઉદેસિંહ, તેનો પુત્ર અલ્પેશ પ્રવીણસિંહ અને અલ્પેશનો સાળો રાજેન્દ્રસિંહ તેમના ઘરે આવ્યા હતા. તેઓએ પરિવારની મહિલા સંબંધિત મુદ્દે ગાળો બોલી બોલાચાલી શરૂ કરી હતી. બોલાચાલી ઝપાઝપીમાં બદલાતાં ઝગડો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપીઓએ દિલીપસિંહને ઘરમાં ઘુસી લોખંડની પાઈપ અને સળીયા વડે માર મારતા તેઓ છાતીના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગામલોકોની દોડધામ બાદ ઘાયલ દિલીપસિંહને હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જતાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પરિવારજનોના આક્ષેપ મુજબ, આ ઘટના આયોજનબદ્ધ હુમલો હતી અને દિલીપસિંહની હત્યા કરવામાં આવી છે. હાલોલ ગ્રામ્ય પોલીસે મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીઓ સામે ગંભીર ગુનાહિત કલમો હેઠળ તપાસ આગળ ધપાવી છે. આ ઘટના બાદ ગામમાં તણાવનું માહોલ છવાયો છે.