Heavy rain in Halol: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા દેવ જળાશયમાં સતત વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થતાં જળાશય ભરાવાની સ્થિતિમાં પહોંચ્યો છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ હાલ જળાશયની સપાટી 87.92 મીટર સુધી પહોંચી છે, જ્યારે FRL (ફુલ રિઝર્વાયર લેવલ) 89.65 મીટર છે.
ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
પાણીના સ્તરમાં સતત વધારો થવાને કારણે રૂલ લેવલ જાળવવા તંત્ર દ્વારા પહેલા એક દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો હતો, પરંતુ સવારે 9 વાગ્યે તેમાં વધારો કરીને હવે બે દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ જળાશયમાં ઈનફ્લો 3,152.68 ક્યુસેક છે, જ્યારે આઉટફ્લો 1,870.28 ક્યુસેક નોંધાયો છે.
નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા
ઉપરવાસમાં સતત વરસાદને કારણે ડેમમાં પાણીની આવક યથાવત રહેતા નદીના કિનારે આવેલા ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાઘોડિયા તાલુકાના ફલોદ ગામને અસરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા લોકોને સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.
સાવધ રહેવા સુચના અપાઇ
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નદી કાંઠે રહેનારાઓને અનાવશ્યક નદી તરફ ન જવા અને પાણીના પ્રવાહને કારણે થતા જોખમથી સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જરૂરી હોય તો સ્થળાંતર માટે પણ તૈયાર રહેવાનું જણાવાયું છે.
ડેમની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને અફવા પર વિશ્વાસ ન કરવા અને માત્ર સરકારી સૂચના પર ધ્યાન આપવા અપીલ કરાઈ છે.