Palanpur News: બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક દીકરી અને દીકરો પોલીસ સ્ટેશનમાં રડતા રડતા પોતાની માતાને પાછી ફરવા માટે આજીજી કરી રહ્યા છે. આ વીડિયોએ અનેક પરિવારોને હચમચાવી નાખ્યા છે. આ ઘટના બનાસકાંઠાના દિયોદર તાલુકાના મકડાલા ગામની છે. જ્યાં 29 વર્ષીય પરિણીતા દિના પટેલે તેના પતિ અને બાળકોને છોડીને તેના પ્રેમી સાથે જતી રહી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલા પ્રેમ પ્રકરણની આ ઘટનાથી એક પરિવાર ભાંગી પડ્યો છે.
સોશિયલ મીડિયાથી યુવકના સંપર્કમાં આવી હતી પરિણીતા
બનાવની મળતી વિગતો અનુસાર, બનાસકાંઠાના દિયોદર તાલુકામાં મકડાલા ગામ આવેલું છે. આ ગામના જગતા પટેલ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના 16 વર્ષ પહેલા દિના પટેલ નામની યુવતી સાથે લગ્ન થયાં હતા. લગ્ન બાદ સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો. તેમને બે સંતાનો છે. એક દીકરો અને એક દીકરી. પરંતુ સોશિયલ મીડિયા થકી દિના પટેલ એક યુવકના સંપર્કમાં આવ્યા અને પ્રેમ સંબંધ બંધાયો. સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા નાણોટાના ભરત ચૌધરી સાથે દિના 16 મે 2025ના રોજ ભાગી ગઇ હતી.

પતિએ પત્ની ગુમ થયાની નોંધાવી હતી ફરિયાદ
દિના પટેલ નાણોટાના ભરત સાથે ભાગીને અમદાવાદ આવી ગઇ. અમદાવાદમાં 17 મે 2025ના રોજ વકીલ પાસે નોટરી કરાવી અને મૈત્રી કરાર કરી લીધો હતો અને સાથે રહેવા લાગ્યા હતા 16 મેના રોજ રાત્રીના સમયથી પત્ની ગાયબ થઇ જતાં પતિ દ્વારા બનાવ અંગે પત્ની ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ દિના અને ભરત વલસાડના પોલીસ સ્ટેશનમાં હાજર થયા અને દિનાએ નિવેદન આપ્યું કે તે પોતાની મરજીથી ભરત ચૌધરી સાથે ગઇ છે. તે તેના પતિ સાથે રહેવા માગતી નથી.
સંતાનો રડતાં રહ્યાં પરંતુ નિષ્ઠૂર માતા પ્રેમી સાથે જતી રહી
પોલીસ સ્ટેશનમાં બે બાળકો સાથે પરિવારજનો દિનાને મળવા અને સમજાવવા પહોંચ્યા. દીકરો-દીકરી રડતા રડતા તેની માતાને પાછી ઘરે આવી જવા માટે આજીજી કરી રહ્યા હતા. પરંતુ પ્રેમમાં આંધળી બનેલી માતાએ પોતાના બાળકોને ધક્કો મારીને ત્યાંથી નીકળી જવા માટે કહ્યું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાતભરમાંથી લોકો દિના પટેલને ફિટકાર વરસાવી રહ્યા છે. એટલું જ નહીં દિના પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યા બાદ પ્રેમી ભરતના ઘરે નાણોટા ખાતે જાય છે. જ્યાં ભરત અને દિનાનું સામૈયું અને કંકુ પગલા કરવામાં આવે છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.

આવા કાયદાને અંકુશમાં લાવવા જોઇએઃ અગ્રણીઓ
આ ઘટના બાદ ગ્રામજનો અને અગ્રણીઓનું કહેવું છેકે, બન્ને સંતાનો માતા વગર રહી શકતા નથી. મારી માતા ક્યારે આવશે એ વાતનું જ રટણ કરે છે અને રડ્યાં કરે છે. અમે બાળકોને સમજાવીએ છીએ કે માતા આવી જશે. 24 ગામના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં આ ઘટના અંગે વેદના વ્યક્ત કરી અને મનોમંથન કરવામાં આવ્યું. આ રીતે મૈત્રી કરાર કરવામાં આવે તો બાળકોનું શું થાય. આગામી દિવસોમાં દિયોદરના 134 ગામના આગેવાનો ભેગા થઇશું અને આ પ્રકારના કાયદાને અંકુશમાં લાવવામાં આવે તેવી સરકારમાં રજૂઆત કરીશું.