Bhadarvi Poonam 2025: ભાદરવી પૂનમ મેળામાં પદયાત્રીઓની સુવિધા માટે 'ઇ-મંદિર' વોટ્સએપ ચેટબોટ શરૂ થશે, ગબ્બર જ્યોતના લાઈવ દર્શનનો લાભ ઘરબેઠા મળશે

આગામી 1થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનારા આ મેળામાં પદયાત્રીઓને સુવિધા આપવા માટે જિલ્લા કક્ષાની 29 સમિતિઓની રચના કરવામાં આવી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 31 Aug 2025 12:52 PM (IST)Updated: Sun 31 Aug 2025 12:52 PM (IST)
e-mandir-whatsapp-chatbot-launched-for-bhadarvi-poonam-mela-devotees-to-get-live-darshan-of-gabbar-jyot-from-home-594719
HIGHLIGHTS
  • સમિતિઓ પીવાના પાણી, વીજળી, પાર્કિંગ, અને પ્રસાદ વિતરણ જેવી તમામ વ્યવસ્થાઓની જવાબદારી સંભાળશે.
  • આ વર્ષના ભાદરવી પૂનમના મેળામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભક્તોને વધુ સુવિધા આપવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે.

Ambaji Bhadarvi Poonam 2025: 'આસ્થા તમારી, વ્યવસ્થા અમારી'ના સૂત્ર સાથે બનાસકાંઠા વહીવટી તંત્ર અંબાજી ભાદરવી પૂનમના મહામેળા માટે સજ્જ થઈ ગયું છે. આગામી 1થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનારા આ મેળામાં પદયાત્રીઓને સુવિધા આપવા માટે જિલ્લા કક્ષાની 29 સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ પીવાના પાણી, વીજળી, પાર્કિંગ, અને પ્રસાદ વિતરણ જેવી તમામ વ્યવસ્થાઓની જવાબદારી સંભાળશે. પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્વચ્છતા, યોગ્ય પાર્કિંગ અને પદયાત્રીઓ માટે સરળતા રહે તે સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ વર્ષના ભાદરવી પૂનમના મેળામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભક્તોને વધુ સુવિધા આપવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. ઇ-મંદિર વોટ્સએપ ચેટબોટ શરૂ કરવામાં આવશે, જેના દ્વારા માઈભક્તો પોતાના ઘરે બેઠા મંદિર વિશેની તમામ માહિતી મેળવી શકશે. આ ચેટબોટ પરથી આરતીનો સમય, પ્રસાદ કેન્દ્રો, પાર્કિંગ સુવિધા અને દાન (ડોનેશન) જેવી વિગતો સરળતાથી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, ભક્તો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી ગબ્બર પરની અખંડ જ્યોતના લાઇવ દર્શન પણ કરી શકશે.

અંબાજી ખાતે ગબ્બરના ગોખમાં બિરાજમાન મા અંબાની અખંડ જ્યોતના દર્શન હવે વિશ્વભરમાં વસતા માઈભક્તો પોતાના ઘરેથી ઓનલાઈન કરી શકશે. ભાદરવી પૂનમ મેળાના આ પાવન અવસર પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લાઇવ દર્શનની વ્યવસ્થા ગોઠવી છે. આ સુવિધા દ્વારા સવાર-સાંજની આરતી હોય કે પૂનમની વિશેષ આરતી, ભક્તો લાઇવ દર્શનનો લાભ લઈ શકશે, જેથી લાખો ભક્તોને ઘેરબેઠા અંબાજીની આસ્થા સાથે જોડાવાનો મોકો મળશે.