Vadodara News: વડોદરામા ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકીને શહેરમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં અત્યારસુધીમાં પોલીસ એક સગીર સહિત 9 ઓરોપીને ઝડપ્યા છે. આજે માસ્ટર માઇન્ડ જુનેદ સિંધી સહિત ત્રણ આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિકન્સ્ટ્ર્કશન દરમિયાન આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં આરોપી લગડાંતા ચાલતા હતા અને બે હાથ જોડીને માફી માગતા જોવા મળ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરામાં ગણેશ ચતુર્થીના પૂર્વ સંધ્યાએ પાણીગેટ વિસ્તારમાં બનેલી એક ઘટના શહેરમાં ભારે ચકચાર મચાવી છે. મદાર માર્કેટ પાસેથી પસાર થતી શ્રીજીની યાત્રા દરમિયાન મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાએ શહેરના ધાર્મિક વાતાવરણમાં તણાવ પેદા કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને અત્યાર સુધી કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં એક સગીર પણ સામેલ છે.
શરૂઆતમાં બે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું
પોલીસ આ કેસમાં માત્ર ધરપકડ સુધી મર્યાદિત રહી નથી, પરંતુ આરોપીઓ સામે કડક પગલાં લીધા છે. શરૂઆતમાં બે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. બાદમાં તપાસના ધોરણે મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધી તેમજ તેના સાથી સમીર અને અનસને રાજસ્થાનના અજમેરથી પકડી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓનું આજે વડોદરામાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં તેમને લંગડા થઈને ચાલતા અને હાથ જોડીને માફી માંગતા જોવામાં આવ્યા હતા.
તપાસમાં ખુલ્યું છે કે ગેંગે પૂર્વ આયોજન સાથે આ કૃત્ય કર્યું હતું
પાણીગેટ વિસ્તારમાં પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરીને સમગ્ર બનાવ કેવી રીતે બન્યો તેની વિગતો એકત્ર કરી હતી. પોલીસના સૂત્રો મુજબ, આરોપીઓ એક સંગઠિત ગેંગના સભ્ય છે અને સૂત્રધાર જુનેદ સિંધીનો તેમાં મુખ્ય રોલ હતો. તપાસમાં ખુલ્યું છે કે ગેંગે પૂર્વ આયોજન સાથે આ કૃત્ય કર્યું હતું. જોકે, પોલીસના કડક પગલાં બાદ આરોપીઓના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.
પોલીસ તંત્રએ કડક સંદેશ આપ્યો છે કે આવા અસામાજિક તત્વો સામે કઈ પણ છૂટછાટ નહીં અપાય. આ ઘટનાએ માત્ર વડોદરામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. ધાર્મિક સ્થળો અને યાત્રાઓની સુરક્ષા માટે પોલીસ હવે વધુ સતર્ક બની છે. તંત્રએ જણાવ્યું છે કે સામાજિક સુમેળ બગાડવાના કોઈ પણ પ્રયાસોને સહન નહીં કરવામાં આવે. હાલ તમામ આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે અને મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધીના અન્ય કનેક્શન શોધવા તપાસ ચાલુ છે.
ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેકવાના મામલે વધુ એકની ધરપકડ
ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાના બનાવમાં પોલીસ દ્વારા વધુ એક ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અજમેરથી ઝડપેયાલ જુનેદ સિંધીની માતા સાદિકા સિંધીની ધરપકડ કરી છે. સાદિકા સિંધી પણ આ કાવતરામાં સામેલ હોવાનું સામે આવતા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.