Amirgadh News: અમીરગઢના મંદિર પરિસરમાં મહિલાઓના બાથરૂમમાં સ્ત્રીવેશ ધારણ કરી ઘૂસવા જતો યુવક ઝડપાયો, લોકોએ મેથીપાક ચખાડ્યો

બનાસ નદીમાં સ્નાન કરવા માટે હજારો મહિલાઓની ભીડ ઉમટી હતી. આ ભીડનો લાભ લઈને એક શખ્સ મહિલાના વેશમાં મંદિર પરિસરમાં ઘૂસ્યો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 29 Aug 2025 12:21 PM (IST)Updated: Fri 29 Aug 2025 12:24 PM (IST)
amirgadh-man-caught-disguised-as-woman-in-temple-bathroom-forced-to-eat-fenugreek-by-crowd-593642

Amirgadh News: અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સમપાંચમના દિવસે એક પુરુષ સ્ત્રીના વેશમાં મહિલાઓના બાથરૂમમાં ઘૂસતા ઝડપાયો હતો. બનાસ નદીમાં સ્નાન કર્યા બાદ મહિલાઓ મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલવા જઇ રહી હતી, ત્યારે આ બનાવ બન્યો હતો. મહિલાઓ સહિત લોકોએ તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભીડનો લાભ લઇ મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, બનાસ નદીમાં સ્નાન કરવા માટે હજારો મહિલાઓની ભીડ ઉમટી હતી. આ ભીડનો લાભ લઈને એક શખ્સ મહિલાના વેશમાં મંદિર પરિસરમાં ઘૂસ્યો હતો. મહિલાઓ સ્નાન કરીને જ્યારે મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલવા જઈ રહી હતી, ત્યારે આ શખ્સ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે દરમિયાન સતર્ક મહિલાઓએ તેને ઓળખી કાઢ્યો હતો.

ગુસ્સે ભરાયેલી મહિલાઓએ આરોપીને સબક શીખવાડ્યો

મહિલાઓને ખબર પડી કે આ કોઈ પુરુષ છે જે સ્ત્રીના વેશમાં બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે તેઓ ગુસ્સે ભરાઈ હતી. મહિલાઓએ તાત્કાલિક તેને પકડી લીધો અને મેથીપાક ચખાડ્યો હતો. આ પછી લોકોએ તેને અમીરગઢ પોલીસને સોંપી દીધો હતો. અમીરગઢ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છેકે બનાવ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

અમીરગઢના પીઆઈ એસ.કે. પરમારે જણાવ્યું હતું કે, વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે. બનાસ નદીમાં સ્નાન કરવા જતા હોય છે, ત્યારબાદ મંદિર પરિસરમાં આવેલા બાથરૂમમાં કપડાં બદલતા હોય છે. ત્યાં એક પુરુષ સ્ત્રીના વસ્ત્રો પહેરી બાથરૂમમાં પ્રવેશ કર્યો હતો. જે અંગે મહિલાઓને શંકા ગઇ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઘટનાની તપાસ ચાલુ છે.