અંબાજી ભાદરવી પૂનમનો મહામેળોની પૂર્ણાહૂતિ, લાખો ભાવિકો મા અંબાના દર્શને ઉમટ્યા, એક માઈભક્તે 15 લાખના સોનાની ભેટ આપી

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 29 Sep 2023 03:19 PM (IST)Updated: Fri 29 Sep 2023 03:20 PM (IST)
ambaji-bhadarvi-poonam-2023-millions-of-devotees-come-to-the-melo-one-devotee-give-gold-204890

Ambaji Bhadarvi Poonam 2023: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. આ વર્ષે 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 લાખથી વધુ ભાવિકો મા અંબાના દર્શનાર્થે આવ્યા છે. આજે કલેક્ટર વરૂણકુમાર બરનવાલ દ્વારા જિલ્લા વહિવટી તંત્રના સૌ અધિકારી - કર્મચારીઓ સાથે અંબાજી મંદિર ખાતે ધજા ચડાવી હતી. જ્યારે એક માઇભક્ત દ્વારા 15 લાખના સોનાની ભેટ આપવામાં આવી હતી.

ભાદરવી પૂનમના મહામેળાના અંતિમ દિવસ એટલે કે 29 સપ્ટેમ્બરના રોજ એક અંબાજી મંદિર ખાતે એક ભક્ત દ્વારા 250 ગ્રામ સોનાની ત્રણ લગડી દાન સ્વરૂપે મા અંબાને ભેટ કરવામાં આવી હતી. જેની કિંમત 15 લાખ 5 હજાર રૂપિયાની આસપાસ થાય છે.

ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ મા અંબેના દર્શન કરવા, મા નું સાનિધ્ય પ્રાપ્ત કરવા કરવા માટે મા ના દ્વારે ઉમટી પડ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર પણ મા ના આશીર્વાદ લેવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને ધ્વજારોહણ કર્યું હતું.

સતત સાત દિવસ સુધી ચાલેલા શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલા મોટા આયોજનને પહોંચી વળવું એ માં અંબાના આશીર્વાદ વગર શક્ય નહોતું એમ જણાવી કલેકટર વરુણકુમાર બરનવાલે મા અંબાને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. તેમજ રાજ્ય સરકાર, સમગ્ર ટીમ બનાસકાંઠા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, સેવાભાવી સંસ્થાઓ સહિતનો આભાર માન્યો હતો.

મા અંબાને પૂનમના પવિત્ર દિવસે ધ્વજારોહણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. તા. 23 સપ્ટેમ્બર થી શરૂ થયેલા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 29મી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ મા ના દર્શન માટે ઉમટ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આંનદ ઉલ્લાસ અને જય અંબેના જયઘોષ સાથે ઉમટી પડતાં શ્રદ્ધાનો સાગર છલકાયો હતો. મા ના દર્શને ભક્તો પગપાળા, બસમાં, ગાડીમાં એમ વિવિધ પ્રકારે અંબાજી આવ્યા હતા. પોતાની બાધા માનતા અને મનોકામના પૂર્ણ કરવા માતાજીને દંડવત દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જ્યારે જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ભક્તિભાવ સાથે માં અંબે ના પાવન મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્રની ટીમે એમના કપ્તાન જિલ્લા વિકાસ અધિકરી સ્વપ્નિલ ખરે ને ખભે ઊંચકી ચાચર ચોકમાં ગરબે ઘુમવાનો આનંદ માણ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી પણ માઇભક્તો સાથે શ્રદ્ધાપૂર્વક માં ના ચાચર ચોકમાં ઢોલ નગારાની રમઝટમાં ઝૂમી ઉઠયા હતા અને માં અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થતાં મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.