Ambaji Bhadarvi Poonam 2023: શક્તિપીઠ અંબાજી જ્યાં માઁ અંબાનું હૃદય બિરાજમાન છે. આથી જ દેશના કરોડો લોકોની આદ્યશક્તિ માઁ જગદંબામાં અપાર શ્રદ્ધા છે. હજારો માઇભક્તો દૂર દૂરથી પગપાળા સંઘો લઈ અંબાજી આવતા હોય છે. શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના આ મહાકુંભમાં દરેક શ્રદ્ધાળુ પોતાની મનોકામના અને મનોરથ લઈ આવતા હોય છે. આ ભાવોને ઉજાગર કરવા અને લાખો શ્રદ્ધાળુઓની માઁ અંબા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતાં આ વખતે જય ભોલે ગ્રુપ અમદાવાદ (દીપેશભાઈ પટેલ) અને જિલ્લા માહિતી કચેરી, પાલનપુરના સહયોગથી ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષી એક સરસ સોન્ગ બનાવવામાં આવ્યું છે. જેને લખ્યું છે અને ગાયું છે, માહિતી કચેરી પાલનપુરના માહિતી મદદનીશ જીજ્ઞેશ નાયકે…
અવસર અંબે માં નો આયો…..આ ગીત ખરેખર ખૂબ સરસ છે અને માઇભક્તોની માઁ અંબા પ્રત્યેની જે આસ્થા છે એને ઉજાગર કરે છે. એમાં જીજ્ઞેશભાઈએ અંબાજી પગપાળા યાત્રાનું સરસ ભક્તિસભર શબ્દોમાં વર્ણન કર્યું છે. તેમજ તેમના મધુર અને અષાઢી કંઠે આ ગીતને મેળાનું થીમ સોન્ગ બનાવી દીધું હોય એમ સમગ્ર ભાદરવી પૂનમના મેળાના માહોલને વ્યક્ત કર્યો છે. આપણે સાંભળીએ તો એમ જ લાગે કે આ દરેક માઇભક્તના મનનો પોકાર છે.

જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલે પણ જયભોલે ગ્રુપ અને જીજ્ઞેશભાઈ નાયકની માઁ અંબા પ્રત્યેની ભક્તિ અને ભાવનાને બિરદાવી તેમને શુભકામનાઓ પાઠવી હતી. જય ભોલે ગ્રુપની ઓફિશિયલ યુ ટ્યૂબ ચેનલ પર આ ગીત માણી શકાય છે.
જિલ્લા માહિતી કચેરી પાલનપુરના માહીતી મદદનીશ જીજ્ઞેશ નાયક દ્વારા લખેલ અને ગાયેલ આ ગીતને જય ભોલે ગ્રુપ અમદાવાદ (દીપેશભાઈ પટેલ ) દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જય ભોલે ગ્રુપ માઁ અંબામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા માઇભક્તોનું ગ્રુપ છે. આ ગ્રુપ દ્વારા માઁ અંબાને સુવર્ણ પાદુકા , ચામર અને શ્રી યંત્ર અર્પણ કરવામાં આવેલ છે અને હવે આદ્ય શક્તિ મા અંબાની પગપાળા યાત્રા પર ગીત રજૂ કરવામાં આવ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.