Narmada News: નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ડેમમાં 4,93,363 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. વધતા પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે ડેમના 15 દરવાજા 3.80 મીટર સુધી ખોલીને 4,04,577 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમમાંથી 4,04,319 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
હાલ નર્મદા ડેમની સપાટી 133.46 મીટર નોંધાઈ છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 15 સેન્ટિમીટરનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોવાથી તે હાલ વોર્નિંગ સ્ટેજ પર પહોંચી ગયો છે. હાલમાં ડેમમાં પાણીનો સંગ્રહ 8077.90 MCM છે, જે તેની કુલ ક્ષમતાના 81.52 ટકા બરાબર છે.
તંત્ર દ્વારા પાણીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને કાંઠા વિસ્તારોમાં રહેતા લોકો માટે ચેતવણી જાહેર કરી છે. નર્મદા કાંઠાના 27 ગામો તેમજ ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પૂર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
લોકોને નદી કાંઠા નજીક ન જવાની અને પ્રશાસન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે આવતા દિવસોમાં પાણીની આવકમાં વધુ વધારો થઈ શકે છે, તેથી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.